ભરૂચ: રાજપારડી પોલીસે ચોરીના 12 જેટલા ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરની ધરપકડ કરી છે. પોલીસ પકડવા જતા કોન્સ્ટેબલ પર ધારીયા વડે હુમલો પણ કર્યો હતો. ખેતરોમાં સિંચાઈ માટે લગાવેલ મોટર અને અન્ય સામાનની સાગરીતો સાથે મળી ચોરી કરવામાં આવતી હતી.
રાજપારડી પોલીસે ચોરીના 12 જેટલા ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરની કરી ધરપકડ - ભરુચ ન્યૂઝ
રાજપારડી પોલીસે ચોરીના 12 જેટલા ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરની ધરપકડ કરી છે. પોલીસ પકડવા જતા કોન્સ્ટેબલ પર ધારીયા વડે હુમલો પણ કર્યો હતો.

રાજપારડીના પીપદરા ગામે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ જવાન પર આરોપીએ જીવલેણ હુમલો કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. રાજપારડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, વિવિધ ખેતીવાડીના સાધનોની ચોરીમાં સંડોવાયેલા આરોપી પીપદરા ગામે તેને ઘરે આવનો છે. બાતમીના આધારે પોલીસે પીપદરા ગામમાં તેના ઘરે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઇ અરવિંદભાઇ પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામાં જવાનને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ અન્ય પોલીસ જવાનોએ તેને પકડી પાડ્યો હતો.
પોલીસે પકડી પાડેલા આરોપી સંજયભાઇ શનાભાઇ વસાવાની પૂછપરછ કરતાં તેણે પોતાના સાગરીતો સાથે રાજપારડી, ઝઘડીયા, ઉમલ્લા તેમજ નર્મદા જીલ્લા,આમલેથા ગામની સીમમાંથી મળી કુલ-15 સ્થળોએથી સિંચાઇના સાધનો જેવા કે ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ અને સ્ટાટર પાણીની પાઇપો સહિતના સીંચાઈના સાધનો તેમજ બાઈકની ચોરી કરી હતી. ઉપરાંત અગાઉ પણ ચોરીમાં પણ સંડોવાયેલા હોવાનું કબૂલ કર્યું હતું.