- 140 વર્ષ બાદ ગોલ્ડન બ્રિજને મળશે નિવૃત્તિ
- ભરૂચ અંકલેશ્વર વચ્ચે રૂ. 401 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા બ્રિજ ખુલ્લો મુકાયો
- ટ્રાફિકજામની સમસ્યા હવે બનશે ભૂતકાળ
ભરૂચ: ભરૂચ - અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર બંધાયેલ નર્મદા મૈયા બ્રિજનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કાયમી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે. આ બંને શહેરો વચ્ચે નર્મદા નદી ઉપર છેલ્લા 140 વર્ષથી ગોલ્ડનબ્રિજ અડીખમ રહી સેવા આપી રહ્યો હતો. આ બ્રિજને સમાંતર નવા બ્રિજને બનાવવાની શરૂઆત વર્ષ 2015 માં કરવામાં આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત 5 કિમી લાંબા આ બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબહેન પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
બ્રીજ ભરૂચ અંકલેશ્વરવાસીઓ માટે મહત્વની કડી સાબિત થશે
ભરૂચ - અંકલેશ્વર વચ્ચેનો આ બ્રિજ આ બંને શહેરોને જોડતો મહત્વની કડીરૂપ સેતુ સાબિત થશે. માત્ર ભરૂચ - અંકલેશ્વર જ નહીં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત વચ્ચે આ બ્રિજ મહત્વનો સાબિત થશે. નાયબ મુખ્યમંત્રીએ ભરૂચ તેમજ અંકલેશ્વર બંને તરફના છેડે તકતી અનાવરણ કર્યું હતું અને રીબીન કાપી બ્રિજને ખુલ્લો મુક્યો હતો.