ભરૂચ: આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ તથા સંપ્રદાયના લોકો અસ્તિત્વ ધરાવે છે. આ વર્ગીકરણના કારણે આપણો સમાજ મંદિર, મસ્જિદ, ચર્ચ એવા ભાગોમાં વહેંચાઈ ગયો છે, છતાં પણ આજે ઘણા એવા લોકો સમાજમાં છે જે આવી નાત-જાત કે ધર્મથી પર છે. આવો જ એક સૌહાર્દભર્યો સંદેશો હાલ અંકલેશ્વર ખાતે રહેતા અને મૂળ તમિલનાડુના રહેવાસી અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદે આપ્યો છે. તેમણે મંદિરના જીર્ણોદ્ધાર માટે 3 લાખ દાન આપ્યું છે.
તમિલનાડુમાં મંદિરના જીણોદ્ધાર માટે અંકલેશ્વરના મુસ્લિમ બિરાદરોએ આપ્યું 3 લાખનું દાન - અંકલેશ્વર ન્યૂઝ
અંકલેશ્વરના મુસ્લિમ સમુદાયે કોમી એકતાની નવી મિસાલ આપી છે. અંકલેશ્વરના મુસ્લિમ બિરાદરોએ તમિલનાડુમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે રૂપિયા 3 લાખ જેટલું દાન આપ્યું છે.
તમિલનાડુના ડીન્ડીગલ જિલ્લાના પરાઇ પટ્ટી ગામમાં અંબાજી માતા અને ગણપતિ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હતો. જેથી મૂળ તમિલનાડુના અને 20 વર્ષથી અંકલેશ્વરમાં વસવાટ કરનારા મુસ્લિમ અબ્દુલ ખુદા મોહમ્મદ અલી સૈયદે ગુજરાતમાં રહેનારા મુસ્લિમો પાસેથી 3 લાખ રૂપિયા દાન એકત્રિત કરીને મંદિરના પૂજારી વિજય કુમારજીને આપ્યા હતા. પોતાના વતનમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે મુસ્લિમ બિરાદરોએ આપેલા આ દાને વધુ એક કોમી એકતાના દર્શન કરાવ્યા છે.
આ જીર્ણોદ્ધાર માટે ગામથી બહાર રહેતા લોકો પાસેથી પણ દાન ઉઘરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરાઇ પટ્ટી ગામમાં મુસ્લિમોની વસ્તી ખુબ જ ઓછી છે અને ત્યાંના મુસ્લિમો ધંધા-રોજગાર માટે વિવિધ રાજ્યોમાં વસવાટ કરે છે. મંદિરના પૂજારી વિજય કુમારજીએ આ મંદિરના જીર્ણોદ્ધારની વાત પોતાના મુસ્લિમ મિત્ર અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદને કરી હતી. જે ગત 20 વર્ષથી અંકલેશ્વરમાં વસવાટ કરે છે. મિત્ર અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદે પૂજારીની વાત સાંભળીને ગુજરાતના મુસ્લિમ લોકો પાસેથી 3 લાખનું દાન ઉઘરાવ્યું છે.