- દાંડીયાત્રામાં મેઘાલયના મુખ્યપ્રધાન જોડાયા,જંબુસરના ગામોમાં સ્વાગત
- રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરી દવે પણ જોડાયા
- મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પો અર્પણ કર્યા
ભરૂચ: જિલ્લાના જંબુસર તાલુકાનાં વિવિધ ગામોમાં દાંડી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ દાંડી યાત્રામાં મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમા અને રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી દવે પણ જોડાયા હતા.
આ પણ વાંચો:ઠેર ઠેર સ્વાગત અને ગ્રામજનો દ્વારા ઉપલબ્ધ કરાવાતી વ્યવસ્થાથી દાંડીયાત્રીઓ થયા પ્રભાવિત
મેઘાલયના સી.એમ.એ 18 કિ.મી.પદયાત્રા કરી
દાંડી યાત્રાના દસમા દિવસે મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ કોંગકમ સંગમા અને મહિલા બાળવિકાસ વિભાગના રાજય કક્ષાના પ્રધાન વિભાવરી દવેએ દાંડી યાત્રાને જંબુસર તાલુકાના કારેલી ગામથી ગજેરા ગામ તરફ પ્રસ્થાન કરાવ્યા બાદ પદયાત્રામાં સહભાગી થઈ યાત્રિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. બન્ને મહાનુભાવોએ કારેલી યાત્રી નિવાસ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પો અર્પણ કર્યા હતા. કોનરાડ સંગમાએ કારેલીથી ગજેરા સુધી 18 કિલોમીટર પદયાત્રા કરી હતી. પિલુદ્રા, વેડચ અને ગજેરા ગામે દાંડીપથિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રધાન છત્રસિંહ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પો અર્પણ કર્યા આ પણ વાંચો:ગાંધીજી સાથે દાદાએ કરી હતી દાંડીયાત્રા હાલ પૌત્ર પણ જોડાયા
દાંડીયાત્રા દેશનું ગૌરવ વધારનારી: મુખ્યપ્રધાન કોનરાડ સંગમા
મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, વર્ષ-1930માં 80 પદયાત્રીઓથી શરૂ થયેલી દાંડીયાત્રા બાદમાં આઝાદીનો માર્ગ કંડારનારી કેડી બની છે. જે બાદમાં સંપૂર્ણ ભારતમાં ચેતના જગાવવામાં નિમિત્ત બની, જ્યારે આજની દાંડીયાત્રા દેશનું ગૌરવ વધારનારી અને આઝાદીના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવાનું સબળ માધ્યમ બની છે.