ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસરતા જ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. નર્મદા નદીના પાણી અંકલેશ્વરના કોયલી, ધંતુરીયા સહિતના ગામોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા હતાં, જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉનાળાના સમયમાં સુકી ભઠ્ઠ બનેલી પાવન સલીલામાં નર્મદાએ ચોમાસાના સમયમાં જાણે વિનાશ વેર્યો છે. ઉનાળામાં પાણી માટે તળવળતા ધરતી પુત્રો ચોમાસામાં પૂરના પાણીના કારણે લીલા દુષ્કાળનો સામનો કરતા થઇ ગયા છે.
નર્મદા નદીના પૂરને લઇને જમીનનું મોટાપાયે ધોવાણ, ખેડૂતોની સરકાર પાસે સહાયની માગ
અંકલેશ્વર: ભરૂચમાં નર્મદા નદીના પૂરના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે. અંકલેશ્વરના કોયલી ધંતુરીયા સહિતના ગામોમાં ખેતર બેટમાં ફેરવાતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.
ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તર ઘટ્યા છે અને પૂરના પાણી ઓસર્યા છે, જો કે ત્યાર બાદ બહાર આવેલા તારાજીના દ્રશ્યો ચોકાવનારા છે. અંકલેશ્વરના કોયલી ધંતુરિયા સહિતના 10 ગામોમાં નર્મદાના પૂરના પાણીના કારણે ભારે તારાજી સર્જાઈ છે. પૂરના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતાં. સત્તત એક સપ્તાહ સુધી આ પરિસ્થિતિ રહેતા ઉભો પાક બળીને ખાક થઇ ગયો છે, જેના કારણે ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. હજુ પણ કેટલાક ખેતરોમાં પાણી છે. જેના કારણે શાકભાજી સહિતના પાકોનું વહન કરવામાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. નર્મદા નદીમાં ચાલુ સિઝનમાં 3 વખત પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે અને મોટાભાગની જમીન નદીમાં ચાલી ગઈ છે. ત્યારે ખેડૂતો આ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નર્મદા નદીના ધસમસતા નીરે કાંઠા વિસ્તારના ગામોમાં ભારે વિનાશ સર્જ્યો છે, ત્યારે સરકાર આ તમામ નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને મળવા પાત્ર સહાય વહેલામાં વહેલી તકે પહોચાડે તે અત્યંત જરૂરી છે.