2014માં ભાજપના મનસુખ વસાવા સળંગ પાંચમી ટર્મ માટે વિજયી બન્યા હતા. ભરૂચની 7 વિધાનસભા બેઠકમાંથી 3 બેઠક પર ભાજપ, 2 પર કોંગ્રેસ અને 2 બેઠક પર BTPની જીત મળી હતી. વર્તમાન સાંસદ મનસુખ વસાવા પોતાના મત વિસ્તારમાં દેખાતા ન હોવાની ફરિયાદો છે. આ ઉપરાંત વસાવાએ દત્તક લીધેલુ અવિધા ગામ હજુ પણ વિકાસથી વંચિત છે. અધિકારીઓ સાથેના ઓર્ડરભર્યા વર્તનથી વસાવા વારંવાર વિવાદમાં રહ્યાં છે. ગામડાંનો સંપર્ક મજબૂત હોવાથી વાસાવાએ આદિવાસીઓમાં રાજકીય મહત્વ ટકાવી રાખ્યું છે.
ભાજપના ગઢમાં છોટુ વસાવા કિંગમેકર બનશે કે પછી કોંગ્રેસને ડૂબાડશે? -
ભરૂચઃ એક સમય કોંગ્રેસના દિગ્ગજ અહેમદ પટેલની રાજકીય કારકિર્દી માટે નિર્ણાયક બનેલી ભરુચ બેઠક ત્રણ દાયકા બાદ ભાજપનો ગઢ બની છે. સતત ત્રણ ટર્મ સુધી અહેમદ પટેલને જીતાડનારા અહીંના મતદારોએ 1989 પછી કોંગ્રેસને તક આપી નથી. અહીં ઉદ્યોગોની કમી નથી. વડોદરા અને અંકલેશ્વરની વચ્ચે આવેલા ભરૂચને મોટો ઔદ્યોગિક ફાયદો થયો હતો, પરંતુ એ પછી ભરૂચની પ્રગતિ સ્થિર થઈ ચૂકી છે.
કહેવાય છે કે, દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં ગુજરાત બહારના લોકોને નોકરી પર રાખવામાં આવે છે. જેથી આ વિસ્તારના લોકો માટે રોજગારીનો પ્રશ્ન ખુબ મહત્વનો છે. ભરૂચ અને નર્મદા એકબીજાની નજીક હોવા છતાં સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ભરૂચના ઘરઆંગણે સુકીભઠ્ઠ છે.
અનેક અટકળો બાદ ભાજપે છઠ્ઠી વખત મનસુખ વસાવાને રિપિટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે અહેમદ પટેલના ખાસ શેરખાન પઠાણને મેદાનમાં ઉતાર્યા છે, ખાસ વાત એ છે કે, અહીં આદિવાસી મતદારોનું પ્રભુત્વ હોવાથી BTP અધ્યક્ષ છોટુ વસાવા ખુદ મેદાનમાં ઉતર્યા છે. જેથી અહીં ત્રિપાંખીયો જંગ ખેલાશે. હવે જોવાનું એ રહ્યું કે, આદિવાસી અને મુસ્લિમો મતદારો ધરાવતી આ બેઠક કોને સત્તા સોંપશે?