ભરુચઃ આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. ત્યારે આપણી પૃથ્વીને બચાવવાની નૈતિક જવાબદારી આપણા સહુની જ છે. પર્યાવરણ અંગે જાગૃત થઈએ તે ખુબ જરૂરી છે સાંપ્રત સમયમાં કોરોના વાયરસના ભયના ઓથાર હેઠળ લોક ડાઉન ચાલી રહ્યું છે જેની ઈફેક્ટ પર્યાવરણ પર પણ જોવા મળી રહી છે. જેની અસરથી ભરૂચ નજીકથી વહેતી લોકમાતા નર્મદા નદીના નીર શુદ્ધ બન્યાં છે.
લોકડાઉન ઈફેક્ટ: લોકમાતા નર્મદાના નીર બન્યાં શુદ્ધ - જળ
આજે વર્લ્ડ અર્થ ડે પર ભરૂચવાસીઓને શ્રેષ્ઠ ભેટ મળી રહી છે. લોકમાતા નર્મદાના નીર શુદ્ધ બન્યાં હોવાના સમાચાર મળ્યાં છે. જોકે આ માટે તંત્રના પ્રયાસો કે લોકોની જાગૃતિ નહીં પણ કોરોનાએ કરાવેલું લૉકડાઉન છે તે જાણવું રહ્યું.
પર્યાવરણની જાળવણી બાબતે સમગ્ર વિશ્વના લોકો ઉદાસીન છે અને તેથી જ પૃથ્વી પરના તમામ સ્ત્રોત કોઈક ને કોઈ કારણોસર પ્રદુષિત બન્યાં છે. પર્યાવરણની જાળવણી અને કુદરતી સ્ત્રોતોની જાળવણીની નૈતિક જવાબદારી સર્વ લોકોની છે પરંતુ લોકો પોતાના સ્વાર્થ ખાતર પોતાની ફરજ પરથી વિમુખ થઇ રહ્યા છે. ભરૂચ ઔદ્યોગિક જિલ્લો છે અને અનેક ઉદ્યોગો ચોવીસે કલાક ધમધમે છે. ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણથી દરેક લોકો વાકેફ જ છે. જળ પ્રદૂષણ હોય, હવા પ્રદૂષણ હોય કે પછી જમીનનું પ્રદૂષણ હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક વ્યક્તિ તેના માટે જવાબદાર છે.
ત્યારે હાલમાં ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદી પર લોક ડાઉન ઈફેક્ટ જોવા મળી છે. ઉદ્યોગોનું પ્રદુષિત પાણી નર્મદા નદીના નિર્મળ જળમાં છોડી દેવામાં આવતું હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં થઇ છે ઉપરાંત આસપાસના ગામોની ડ્રેનેજ લાઈન પણ નર્મદા નદીમાં ભળી રહી છે ત્યારે નર્મદાના નીર પીવાલાયક પણ રહ્યાં ન હતાં. હાલમાં કોરોના વાયરસના પગલે છેલ્લાં એક મહિનાથી લોક ડાઉન આપવામાં આવ્યું છે ત્યારે તેની સારી અસર નર્મદા નદી પર જોવા મળી રહી છે. એક તરફ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ નર્મદા નદી પર પણ પોઝિટિવ અસર જોવા મળી રહી છે. નર્મદા નદીમાં ક્ષારનું પ્રમાણ ઘટ્યું છે ઉપરાંત પી.એચ.નું પ્રમાણ પણ સુધર્યું છે. ઉદ્યોગો બંધ હોવાના કારણે નદીમાં પ્રદૂષિત પાણી ન ભળતાં નદીનું પાણી શુદ્ધ જોવા મળ્યું હતું.