ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં શ્રમજીવીઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ - માસ્ક
કોરોના જેવી વૈશ્વિક મહામારીને અટકાવવા જનજાગૃતિ ખૂબ જ જરુરી છે. કોરોના સંક્રમણની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થતાં જનજીવન વચ્ચે જાણે કે કોરોનાને ઘોળીને પી જતાં હોય તેમ અમુક લોકો બેખોફ દેખાઈ રહ્યાં છે. ભરુચના શક્તિનાથ વિસ્તારમાં સવારના સમયે જૂઓ તો આ વાત તાદ્રશ્ય થાય. કામ શોધવા આવતાં શ્રમિકોની મોટી ભીડ અહીં એકઠી થાય છે એ તો ખરું જ, તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વળી કઇ બલાનું નામ છે એવું અહીં અનુભવાય તેમ છે.
ભરૂચઃ ભરુચના શક્તિનાથ વિસ્તારમાં સવારના સમયે ઉભા રહેતાં શ્રમજીવીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ખતરો માથે ઉભો છે. ભરૂચમાં હાલ કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે શહેરના શક્તિનાથ વિસ્તારમાંથી ચિંતાજનક દ્રશ્યો બહાર આવ્યાં છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં શ્રમજીવીઓ રોજગારી અર્થે રોજ સવારે સર્કલ નજીક ભેગાં થાય છે પરંતુ તેઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. મોટાભાગના શ્રમજીવીઓએ માસ્ક પણ નથી પહેર્યું હોતું ત્યારે કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ખતરો ઉભો થયો છે. આ સ્થળની નજીક જ પોલીસ પોઈન્ટ છે ત્યારે પોલીસ શ્રમજીવીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવે અને તેઓને માસ્ક પહેરવા સૂચના આપે એ જરૂરી છે.