રાજ્ય સરકાર દ્વારા હાલ ઘનિષ્ઠ વનીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ભરૂચના નાનકડા એવા બોરી ગામના સરપંચ અને સભ્યો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. 1 હજાર લોકોની વસ્તી ધરાવતા બોરી ગામના મહિલા સરપંચ મીનાબહેન વસાવા અને ઉપસરપંચ અરુણ વસાવા દ્વારા પર્યાવરણની જાળવણી માટે 'પર્યાવરણ મિત્ર' યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગામના સભ્યો ઘરદીઠ ત્રણ વૃક્ષનું વાવેતર કરશે, તેઓને પંચાયતના વિવિધ વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. વૃક્ષારોપાણ માટે છોડ પણ પંચાયત આપશે અને એક વર્ષ બાદ તેની સમીક્ષા કરી વેરામાંથી મુક્તિ આપવામાં આવશે.
ભરૂચમાં ગ્રામપંચાયતનો નવતર અભિગમ, ત્રણ વૃક્ષો વાવો અને વેરામાંથી મુક્તિ મેળવો - Tress
ભરૂચઃ બોરી ગામે ગ્રામપંચાયત દ્વારા પર્યાવરણની જાળવણી માટે નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે. ગ્રામપંચાયત દ્વારા પર્યાવરણ મિત્ર યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ઘર દીઠ ત્રણ વૃક્ષનું વાવેતર અને જતન કરવા પર ગ્રામ પંચાયત એક વર્ષ માટે વેરામાંથી મુક્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જો કોઈ પાસે જગ્યા ન હોય તો ગામની ગૌચરની જમીનમાં વૃક્ષો વાવવા ગ્રામપંચાયત દ્વારા પરવાનગી પણ આપવામાં આવશે. બોરી ગામમાં 200 જેટલા ઘર આવેલા છે. જેઓ પાસે પાણી વેરો અને મિલકત વેરો મળી વાર્ષિક રૂપિયા 60 હજારનો વેરો વસુલવામાં આવે છે. જો કે ગ્રામપંચાયતનાં સભ્યો પર્યાવરણની જાળવણીને વધુ મહત્વ આપી રહ્યા છે. ગ્રામજનો પણ પંચાયતના આ અભિગમને આવકારી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે નાનકડા એવા બોરી ગામનો અભિગમ ખરેખર સરાહનીય છે, ત્યારે અન્ય ગામો પણ આ યોજનાનું અનુકરણ કરી પર્યાવરણની જાળવણીમાં પોતાનું યોગદાન આપે તે ઈચ્છનીય છે.