ભરૂચઃ જિલ્લામાં ગતરોજ કોરોનાના એક સાથે 7 પોઝિટિવ નોધાયા બાદ સતત બીજા દિવસે પણ કોરોનાનો કોહરામ યથાવત રહ્યો છે. આજે પણ નવા પાંચ પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે .
શહેરના નંદેલાવ રોડ પર આવેલા મલ્હાર ગ્રીન સોસાયટીમાં એક જ પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ છે. તો પીપળીયા ગામના 2 સગા ભાઈઓ પણ કોરોનાના સકંજામાં આવી ગયા છે.
ભરૂચની મલ્હાર ગ્રીન સોસાયટીમાં રહેતા અને GAIL કંપનીમાં ફરજ બજાવતા 50 વર્ષીય પિયુષ શ્રીવાસ્તવ, 48 વર્ષીય તેઓના પત્ની રચના બહેન તથા 15 વર્ષીય દીકરી સંસ્ક્રિતી હાલમાં અમદાવાદ ગયા હતા. અને પિયુષ શ્રીવાસ્તવ તાજેતરમાં વડોદરા ખાતે એક પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જ્યાંથી તેઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું અનુમાન છે.
જ્યારે પારખેત નજીક આવેલ પીપલીયા ગામ ખાતે રહેતા 23 વર્ષીય સુહેલ સુલેમાન ઘાંચી તથા તેનો ભાઈ 20 વર્ષીય સમીર ઘાંચી ગત સપ્તાહે સુરત ખાતે 50 વ્યક્તિની જાન લઇ લગ્ન માટે ગયા બાદ સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. હાલ, આ પાંચ વ્યક્તિઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે એક સાથે નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 73 પર પહોંચી છે. જે પૈકી પાંચ દર્દીના મોત થયા છે.તો 42 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. હાલ, જિલ્લામાં 26 કેસ એક્ટીવ છે.