ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ સર્જાયેલા વિવાદના પગલે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કિનારે રાજ્યનું સૌ પ્રથમ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં ફક્ત કોરોનાગ્રસ્ત મૃતકોના જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જોકે, છેલ્લા 2 દિવસથી આ સ્મશાનમાં વિષમ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
ભરૂચમાં બનેલ રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશાનની દયનીય હાલત, જૂઓ,વીડિયો - cemetery bharuch
ભરૂચમાં બનેલ રાજ્યની સૌ પ્રથમ કોવિડ સ્મશાનની દયનીય હાલત જોવા મળી રહી છે. કોવિડ સ્મશાનમાં વીજળીની વ્યવસ્થા ન હોવાના કારણે એમ્બ્યુલન્સની હેડ લાઈટથી અજવાળું કરી મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
મૃતક દર્દીના અંતિમ સંસ્કાર રાત્રિના સમયે કરવા પડે તો આરોગ્ય કર્મચારીઓ અને પરિવારજનો કફોડી હાલતમાં મુકાઈ જાય છે. કારણ કે, આ સ્મશાનમાં વીજળીની સુવિધા જ નથી. વીજળી ન હોવાના કારણે મૃતદેહ લઈને આવેલ એમ્બ્યુલન્સની હેડ લાઈટ ચાલુ કરી પ્રકાશ કરવામાં આવે છે.
ત્યારબાદ લાકડા ગોઠવી અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. તંત્ર દ્વારા કોવિડ સ્મશાન તો બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સુવિધા ઉભી ન કરવામાં આવતા. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કોવિડ સ્મશાનમાં વીજળી સહિતની સુવિધા ઉભી કરવામાં આવે એ જરૂરી છે.