ભરુચઃ દહેજ ખાતે આવેલી ટેગરોસ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. દહેજ ઓદ્યોગિક વસાહતમાં આવેલી ટેગરોસ કેમિકલ ઇન્ડીયા કંપનીમાં ગત મોડી રાત્રીએ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કંપનીમાં વિવિધ સોલ્વન્ટનો ઉપયોગ કરી એગ્રો કેમિકલ બનાવવામાં આવે છે.
દહેજ ખાતે ટેગરોસ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, પ્લાન્ટ બળીને ખાખ - ભરૂચ ન્યૂઝ
સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે દહેજ ખાતે આવેલી ટેગરોસ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.
![દહેજ ખાતે ટેગરોસ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, પ્લાન્ટ બળીને ખાખ Etv Bharat, Gujarati News, Bharuch News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6695722-413-6695722-1586245139950.jpg)
સોમવારે કંપનીના પ્લાન્ટ નંબરમાં રાસાયણિક પ્રક્રીયા ચાલી રહી હતી. તે દરમિયાન સોલ્વન્ટ ટેન્ક નજીકના પંપમાં ઘર્ષણનાં કારણે સ્પાર્ક થયો હતો અને આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. જેના પગલે દોડધામ મચી જવા પામી હતી અને કામદારો બહાર દોડી આવ્યા હતા.
આ સમગ્ર બનાવની જાણ થતા જ ૧૦ જેટલા ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચારથી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી. જો કે, સમગ્ર પ્લાન્ટ આગમાં બળીને ખાક થઇ ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી. સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કંપનીના દુર્ઘટનાગ્રસ્ત પ્લાન્ટને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે.