ભરૂચઃ મુલદ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટના કથિત કોભાંડમાં તપાસ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડમ્પિંગ સાઈટના સુપરવાઈઝરને ફરજ મોકૂફ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો.
ભરૂચના મુલદ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટનાં કથિત કોભાંડમાં તપાસ સમિતિની બેઠક યોજાઈ ભરૂચઃ મુલદ ખાતે આવેલ નગર સેવા સદનના ઘન કચરાના નિકાલની ડમ્પિંગ સાઈટમાં નાંણાનો વહીવટ કરી ગેરકાયદેસર રીતે રાસાયણિક કચરો ઠલવાતો હોવાની વાટ કરતો ડમ્પિંગ સાઈટના સુપરવાઈઝરનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતે વિપક્ષે ભારે હોબાળો મચાવતા સમગ્ર કોભાંડની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં નગર પાલિકા પ્રમુખ,ચીફ ઓફિસર,સીટી એન્જીનિયર, વિપક્ષના નેતા અને શાશક પક્ષનાં નેતાનો સમાવેશ કરાયો હતો.
આ કમિટીની પ્રથમ બેઠક મળી હતી. જેમાં ડમ્પિંગ સાઈટનાં સુપરવાઈઝરને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વીડિયો બહાર આવતા ચીફ ઓફિસર દ્વારા સુપરવાઈઝરને નોટિસ પાઠવી ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યા હતો. જો કે, નોટિસનો જવાબ ન મળ્યો ન હતો.
આ તરફ સુપરવાઈઝરે તેના બચાવમાં વીડિયોમાં તેનો ઓડિયો ન હોવાનો જવાબ આપ્યો હતો. જેની સામે વિપક્ષના નેતા સમસાદ સૈયદે વીડિયોને તપાસ માટે FSLમાં મોકલવાની માંગ કરી હતી, તો સાથે આ કોભાંડમાં અન્ય પદાધિકારીઓની સંડોવણીની આશંકાનાં પગલે પોલીસ કેસ કરવાની પણ માગ કરી હતી.