- કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં જિલ્લાના ખેડૂતો પણ જોડાયા
- ભરૂચના ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર બીરબલની ખીચડીનો કાર્યક્રમ કર્યો
- ગરબા યોજી ભાજપના ગુજરાત મોડેલની પોલ ખોલવાનો કર્યો પ્રયાસ
કૃષિ કાયદાના વિરોધમાં ભરૂચના ખેડૂતો જોડાયા
ભરૂચ: કેન્દ્ર સરકારના વિવિધ કૃષિ કાયદાના વિરોધમાં ગત કેટલાક દિવસથી દિલ્હી સરહદ પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાઈ રહયા છે અને કાયદો પરત ખેંચવા કેન્દ્ર સરકાર પાસે માગ કરી રહ્યા છે. આ વિરોધમાં ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. ખેડૂત આગેવાન યાકુબ ગુરજીની આગેવાનીમાં ખેડૂતો પોલીસને ચકમો આપી દિલ્હી સરહદ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
ખેડૂતોએ કર્યો બીરબલની ખીચડીનો કાર્યક્રમ
દિલ્હી સરહદ પર ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિવિધ કાર્યક્રમ કરી વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોએ બીરબલની ખીચડી નામનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં બીરબલની ખીચડી કોઈ દિવસ પાકતી નથી, એમ કૃષિ કાયદાથી ખેડૂતોને કોઈ ફાયદો ન હોવાનો કટાક્ષ કર્યો હતો.
ખેડૂતો ગરબો રમ્યા
દિલ્હી ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાતના ખેડૂતો ગુજરાતની ઓળખ સમાન ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન અંગે ખેડૂત આગેવાન યાકુબ ગુરજીએ જણાવ્યુ હતું કે, ભાજપના નેતાઓ ખેડૂત આંદોલનને ગેરમાર્ગે દોરનારું હોવાના નિવેદન આપી ગામે ગામે ફરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં દિલ્હી સરહદ પર ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો જોડાશે.