- ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં માર્ગોનું મોટાપાયે ધોવાણ
- વેપારીઓએ નગરપાલિકામાં કરી ઉગ્ર રજૂઆત
- સ્થાનિકોના વિરોધના પગલે નગરસેવા સદન કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ
ભરૂચઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર માર્ગના કારણે વેપારીઓને ધંધામાં નુકસાન થઇ રહયું હોવાની વિગતો સામે આવી છે. રસ્તાઓનું રીપેરીંગ કરવાની માંગ સાથે વેપારી મંડળે નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી છે. 15 દિવસમાં કોઇ કાર્યવાહી નહિ કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. કોરોના સંક્રમણના કારણે લોકડાઉન બાદ વેપાર-ધંધાની ગાડી પાટા પર આવી રહી છે, ત્યારે ભરૂચમાં ઉબડખાબડ રસ્તાઓએ વેપારીઓના ધંધા પર બ્રેક મારી છે. ચોમાસા દરમિયાન શહેરના મોટાભાગના રસ્તાઓ ધોવાય જતા મસ મોટા ખાડાઓ પડી ગયા છે. શહેરના અમુક વિસ્તારોમાં પાલિકા તરફથી પેચિંગ તેમજ નવા રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસરે સમસ્યાનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં બજારોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં ગ્રાહકોની સંખ્યા વધુ છે. વેપારી મંડળના આગેવાનોએ જણાવ્યા મુજબ ખરાબ રસ્તાઓને કારણે ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ છે. સોમવારના રોજ મર્ચન્ટ એસોસિએશનના સભ્યોએ ભરૂચ પાલિકામાં રસ્તાઓ બાબતે રજૂઆત કરી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ મર્ચન્ટ એસોસિએશનના સભ્યોને સમસ્યાનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી છે.