- અનરાધાર વરસેલા વરસાદના પગલે શહેરના મોટાભાગના માર્ગોનું ધોવાણ
- માર્ગો પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોની કમર તૂટી
- શહેરના કેટલાક માર્ગો પર સમારકામ કરાયું
ભરૂચ : "ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ" આ કહેવત આજના દિવસોમાં ખરા અર્થમાં જાણે સાર્થક થઈ રહી છે. મેધરાજાના કહેરે ભરૂચને જાણે ભાંગી નાખ્યું છે. અનરાધાર વરસેલા વરસાદના પગલે શહેરના મોટાભાગના માર્ગોનું ધોવાણ થયું છે.
શહેરના શક્તિનાથ વિસ્તારથી કલેક્ટર ઓફિસને જોડતો માર્ગ, શીતલ સર્કલ નજીકનો માર્ગ, ભોલાવ ઓવરબ્રિજ નજીકનો માર્ગ, કોલેજ રોડ નજીકનો માર્ગ, ધોળીકુઈ નજીકનો માર્ગ, જંબુસર ચોકડી અને શ્રવણ ચોકડી આ સહિતના મોટાભાગના તમામ માર્ગો વરસાદમાં ધોવાઈ ગયા છે.
ભરૂચમાં વરસાદથી અનેક માર્ગોનું ધોવાણ માર્ગો પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોની કમર તૂટી રહી છે. તો વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે. કેટલાક સ્થળોએ થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ માર્ગો પણ ધોવાયા છે. ભરૂચ શહેરમાં પ્રવેશવાના એક સમયના મુખ્ય માર્ગ સમાન કસક ગરનાળાની સ્થિતિ સારી રહેતા શહેરીજનોને થોડી રાહત સાંપડી છે. ભારે વરસાદમાં હજુ પણ કસક ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે. ગરનાળાના સમારકામ બાદ હાલ સ્થિતિ સારી છે અને માર્ગની ગુણવત્તા પણ જળવાઈ રહી છે.
ભરૂચમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે નગરપાલિકા દ્વારા બિસમાર માર્ગો પર સમારકામની કામગીરી શરૂ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. કેટલાક માર્ગો પર સમારકામ કરાયું છે.કામની ગુણવત્તા ન જળવાતા બિસ્માર માર્ગની પરિસ્થિતિ એમની એમ જ રહી છે.
પહેલાના જમાનામાં સકારાત્મક રીતે કહેવાતું કે, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે. પરંતુ આજે બિસમાર માર્ગોના કારણે ભરૂચ સાચા અર્થમાં ભાંગી ગયું છે. ત્યારે તંત્ર ભાંગ્યા ભરૂચની ફરી હળ્યું ભર્યું બનાવવા કામગીરી કરે એ જરૂરી છે.