- ભરૂચના હાથીખાના સહિતના વિસ્તારોમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર્સ
- અશાંતધારાના અમલીકરણ બાબતે સ્થાનિકોમાં ઉકળતો ચરૂ
- માળખાકીય સુવિધાઓનો અભાવ
- ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિકોએ ઠાલવ્યો આક્રોશ
ભરૂચ : જૂના ભરૂચ શહેરમાં બન્ને કોમના લોકોના મકાનો આવેલા છે. જેના કારણે છાશવારે છમકલા થયા કરે છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે ભરૂચના 48 વિસ્તારોમાં અશાંતધારો અમલી બનાવ્યો છે. અશાંતધારો વિસ્તાર મુજબ અમલમાં મૂકવાના બદલે સિટી સર્વેના નંબર મુજબ અમલમાં મૂકાયો હોવાનો સ્થાનિકનો આક્ષેપ છે. સ્થાનિકએ આક્ષેપ કર્યો છે કે, બહાદુર બુરજ, સોની ફળિયા સહિતના વિસ્તારોમાં લોકડાઉન દરમિયાન મિલકતોનું વેચાણ થયું છે. જ્યારે આ સમયે સરકારી કચેરીઓ બંધ હતી ત્યારે મંજૂરી કોણે આપી તે એક સવાલ છે.
ભરૂચના હાથીખાના સહિતના વિસ્તારોમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર્સ ચૂંટણીનો બહિષ્કાર કરાશે : સ્થાનિકો
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે, ત્યારે વિકાસના કામો બાબતે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. વૉર્ડ નંબર 11માં વર્ષોથી ચૂંટાઇને આવતા નગરસેવકો માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં થતાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાના બેનર્સ મારવાની ફરજ પડી છે.
અશાંતધારાનો અમલ ન થાય તો તોફાનોની દહેશત
વૉર્ડ નંબર 11ના રહીશોમાં માળખાકીય સુવિધાઓ કરતાં અશાંતધારા બાબતે વધુ રોષ જોવા મળી રહ્યો છે. જો અશાંતધારાનો વ્યવસ્થિત અમલ નહીં થાય તો કોમી તોફાનો થવાની દહેશત લોકોએ વ્યકત કરી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કસક ગરનાળુ બંધ રહેવાનું હતું, ત્યારે ધારાસભ્યએ માત્ર 24 કલાકમાં જાહેરનામુ રદ્દ કરાવ્યું હતું. અમારા વિસ્તારના નગરસેવકો આવી કામગીરી કરી શકતા નથી. જયાં સુધી અમને અશાંતધારા બાબતે યોગ્ય અમલીકરણ વિશે બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા રહેશું.