ભરૂચઃ ઐતિહાસિક શહેરમાંથી એક એટલે કે ભરૂચ શહેર. કાશી બાદનું બીજા નંબર પર આવતું સૌથી જૂનુ નગર ભરૂચ છે, ત્યારે ભરૂચ ખાતે સોનાની 3 વસ્તુઓ ખુબ પ્રચલિત છે. ગોલ્ડન બ્રિજ, સોનેરી મહેલ અને સોનાનો પથ્થર. નર્મદા નદી પર બ્રિટિશ દ્વારા બનાવાયેલો બ્રિજ સોનાના પુલ એટલે કે, ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે. જૂના ભરૂચના એક સમયના જાહોજલાલી વાળા વિસ્તારને સોનેરી મહેલ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ તમામની સાથે એક પથ્થર છે કે, આ પથ્થરને સોનાના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. તેની પાછળ રસપ્રદ લોકવાયકા પ્રચલિત છે.
ડિસ્કવર ઈન્ડિયાઃ ભરૂચનો ઐતિહાસિક સોનાનો પથ્થર
ડિસ્કવર ઈન્ડિયાઃ ભરૂચમાં ઐતિહાસિક સોનાનો પથ્થર બ્રિટિશ સમયથી સ્થાપિત થયેલો છે. આપે સોનાના અનેક ઘરેણાંઓ વિષે સાંભળ્યું હશે, પરંતુ ભરૂચ ખાતે રસ્તામાં પડેલો એક પથ્થર સોનાના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. આ પાછળ એક રસપ્રદ લોકોવાયકા સંકળાયેલી છે. જાણો આ લોકવાયકા...
આ લોકવાયકા મુજબ સો વર્ષ પૂર્વે ભરૂચના દેસાઈજીની હવેલીના નામે વિખ્યાત ઈમારતના વાયવ્ય ખૂણામાં એક માર્ગ હતો, જે ખાનગી માલિકીનો હતો. જેના પર એક પથ્થર હતો. મ્યુનિસિપાલિટીએ આ હવેલી નજીકથી માર્ગ બનાવવા માટે આ જગ્યા લીધી હતી. આ જગ્યા પરથી માર્ગ બનાવવા માટેની તજવીજ હાથ ધરી હતી, પરંતુ તેની સામે દેસાઈ પરિવારના કલ્યાણરાય દેસાઈ તથા તેઓના પરિવાર બ્રિટિશ કોર્ટમાં ગયો હતો.
મ્યુનિસિપાલિટી દ્વારા પોતાની જગ્યામાં ગેરકાયદેસર રીતે માર્ગ બાવાતો હોવાની અપીલ કરી હતી. આ સમયે આ જગ્યાનો ટુકડો બચાવવા તેમજ પથ્થર કે, જે માઈલ સ્ટોન તરીકે ઓળખાતો હતો, તેને બચાવવા માટે તે સમયમાં આખે આખો આવી જાય તેટલો ખર્ચ થયો હતો. અંતે દેસાઈ પરિવાર આ કેસ જીતી ગયો હતો. આ જીતના પ્રતિક રૂપે આ પથ્થરને અહીં જ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પથ્થરને સોનાના પથ્થર તરીકે નામ આપવામાં આવ્યું હતું. આજે પણ આ પથ્થર આ જ સ્થળે સ્થાપિત થયેલો છે. તાજેતરમાં જ હેરિટેજ વોક શરૂ કરવામાં આવી છે, આ વોકમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પણ આ પથ્થરને ઐતિહાસિક ધરોહર તરીકે જાળવણી કરવામાં આવી રહી છે.