ભરૂચ : દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા વધુ બે કામદારના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. જેથી હવે કુલ મૃત્યુ આંક 10 પર પહોંચી ગયો છે.
દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બુધવારના રોજ સર્જાયેલા પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં 6 કામદારો પ્લાન્ટમાં જ ભડથું થઇ ગયા હતા. તો અન્ય બે કામદારોના મોત નિપજ્યા બાદ ગુરુવારે પણ વધુ બે કામદારોના મોત નિપજતા ઘટનામાં કુલ મૃત્યુ આંક 10 પર પહોચ્યો છે.
પશ્વિમ બંગાળના રહેવાસી 28 વર્ષીય જયંત મહંતો અને બિહારના રહેવાસી 20 વર્ષીય હરિદર્શન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ તરફ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ વિભાગની ટીમોએ કંપનીમાં ધામા નાખ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કંપનીમાંથી વિવિધ પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને ચકાસણી અર્થે લેબમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ બ્લાસ્ટ થવાનું સાચું કારણ બહાર આવી શકશે. આ તરફ કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 5-5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓને મળવા પાત્ર અનેક લાભો આપવાનું આશ્વાસન અપાયું છે.