- ભરૂચના દહેગામ ગામે તળાવની પાળ તૂટી
- 40 એકર જમીનમાં ઉભા પાકને નુકશાન
- ખેડૂતો કરી વળતરની માંગ
ભરૂચ : શહેરના દહેગામ ગામે તળાવની પાળ તૂટ્યા બાદ પાણી નજીકના ખેતરોમાં ફરી વળતા 40 એકર જમીનમાં ઉભા પાકને નુકશાન પહોંચ્યું હતું. વડોદરા મુંબઇ એક્સપ્રેસ વેની કામગીરીમાં પાણીના સંગ્રહ માટે આ તળાવ બનાવવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતો ઉભા પાકની નુકશાની માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની પાસે વળતરની માંગ કરી રહ્યા છે.
ભરૂચના દહેગામે તળાવની પાળ તૂટતા ખેડૂતોની 40 એકર જમીનમાં ઉભા પાકને નુકશાન પાણીના પ્રેશરથી તળાવની એક તરફની પાળ તૂટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઇ એક્સપ્રેસ વેની કામગીરી હાલ પુર ગતિએ ચાલી રહી છે. ભરૂચ તાલુકાના દહેગામ નજીક પણ આ બંન્ને પ્રોજેકટની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કામગીરીમાં પાણીની જરૂરિયાતને પહોચી વળવા વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટે તળાવ બનાવવામાં આવ્યું હતું. જોકે, હાલમાં કોન્ટ્રાકટર કંપનીને વધુ માટીની જરૂરિયાત હોવાથી તળાવમાંથી પાણી બાજુના તળાવમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન પાણીના પ્રેશરથી તળાવની એક તરફની પાળ તૂટી ગઈ હતી અને તળાવનું પાણી નજીકમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતું.
તળાવના પાણીથી 40 એકર જમીનમાં ઉભા પાકને નુક્શાન
તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા આસપાસની 40 એકર જમીનમાં ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોએ ખેતરમાં વાવેલ ઘઉં, તુવેર મઠીયા અને જુવારના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે.
વળતર ન મળે તો કલેકટર કચેરીએ ધરણા પ્રદર્શનની ખેડૂતોની ચીમકી
આ અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો દોડી આવ્યા હતા અને વિરોધ નોંધવાયો હતો. ખેડૂતોના આક્ષેપ અનુસાર તેઓ દ્વારા કોન્ટ્રાકટર કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. જોકે, કંપની દ્વારા વળતર બાબતે કોઈ જવાબ આપવામાં આવતો નથી. ત્યારે ખેડૂતોએ વળતરની માંગ ન સંતોષાય તો ક્લેકટર કચેરીએ ઘરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે.