ભરૂચ: અંકલેશ્વર- હાંસોટ તાલુકામાં વિદાય લેતા વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. તાજેતરમાં જ પંથકમાં એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ ખબક્યો હતો. જેના પગલે ખેતરમાં ઊભા થયેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોચ્યું છે. ખેડૂતોએ ડાંગર લણવાની શરૂઆત કરી છે ત્યારે આ પાકમાં 30થી 40 ટકાનો ઉતારો ઓછો જોવા મળ્યો છે.
અંકલેશ્વર-હાંસોટ તાલુકામાં ખેડૂતોએ મોટાપાયે ડાંગરનું વાવેતર કર્યું હતું. આ વર્ષે વરસાદનું પ્રમાણ સારું હતું જેથી ખેડૂતોને ડાંગરનો પાક સારો ઉતરે તેવી આશા બંધાઈ હતી. પરંતુ વરસાડે જતાં જતાં ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું હતું. વિદાય લઈ રહેલા વરસાદે છેલ્લે દસ્તક આપી હતી અને તોફાની બેટિંગ કરી હતી. તાજેતરમાં જ અંકલેશ્વર પંથકમાં એક જ દિવસમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયું છે.