- જંબુસરના કોંગ્રેસના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- ધારાસભ્ય સંજય સોલંકીને થયો કોરોના
- સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં
ભરૂચઃ વૈશ્વિક મહામારી કોરોનાની અસર દિવસેને દિવસે ઓછી થઈ રહી છે. તેમછતાં કેટલાક છૂટા છવાયા કેસ નોધાઈ રહ્યાં છે. જંબુસર કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
સંજય સોલંકી થોડા સમયથી બીમાર હતા
આ અંગે મળતી વિગતો અનુસાર સંજય સોલંકી થોડા સમયથી બીમાર હતા અને તેમને અગાઉ પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જે બાદ કોરોના ટેસ્ટ કરાવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. ભરૂચ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો બનવા તરફ આગળ વધી રહ્યો છે અને જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા નહીંવત થઈ રહી છે, જોકે, એવામાં પ્રજાના પ્રતિનિધિને કોરોના પોઝિટિવ આવ્યો છે.