ભરૂચ: જિલ્લમાં કોરોના કાળો કહેર બનીને વર્તી રહ્યો છે. કોરોનાની રફતાર ટોપ ગિયરમાં જોવા મળી રહી છે. શરૂઆતના તબક્કામાં ઓછા કેસ આવતા હતા. પરંતુ એ બાદ કોરોનાએ જે ગતિ પકડી એ અત્યંત ચિંતાજનક છે. કોરોનાએ જોતજોતામાં 2 હજારનો અણગમતો આંક પાર કરી લીધો છે, ત્યારે પ્રત્યેક 500 કેસ કેટલા દિવસમાં અને કઈ તારીખે નોંધાયા એ બાબતે ઈટીવી ભારત દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ભરૂચમાં કોરોનાનો પ્રથમ કેસ 8 એપ્રિલે નોંધાયો હતો, ત્યાર બાદ પ્રથમ 500 કેસ 14 જુલાઈએ થયા હતા. આમ પ્રથમ 500 કેસ નોંધાતા 3 મહિના અને 6 દિવસ લાગ્યા હતા. એટલે કે 96 દિવસમાં 500 કેસ નોંધાયા હતા. જો કે બીજા 500 કેસ જે ગતિએ નોંધાયા એ આંકડા અત્યંત ચોંકાવનારા છે. 14 જુલાઈ બાદ બીજા 500 કેસ 4 ઓગસ્ટે નોંધાયા હતા. માત્ર 20 જ દિવસમાં અન્ય 500 કેસ નોધાયા છે. તો ત્રીજા 500 કેસ એટલે કે કુલ 1500 કેસ બીજી સપ્ટેમ્બરે થયા હતા. અહી પણ માત્ર 28 દિવસમાં જ 500 કેસ નોંધાયા હતા. તો અંતિમ 500 કેસનો ઉમેરો 24 સપ્ટેમ્બરે નોંધાયો હતો. અંતિમ 500 કેસ નોંધાતા 22 દિવસનો સમય લાગ્યો હતો.