ભરૂચઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા 21 દિવસનું લોક ડાઉન ચાલી રહ્યું છે, જેમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુની દુકાન સિવાય તમામ વસ્તુઓ બંધ છે. તો આ તરફ ભરૂચ કોંગ્રેસના નેતા સંદીપ માંગરોળા દ્વારા લીકર પરમીટ ધારકોને લોકડાઉનનાં સમયમાં પણ લીકર મળી રહે એવી માંગ કરવામાં આવી છે.
ભરૂચ કોંગ્રેસના આગેવાન અને વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોળા દ્વારા રાજ્યના નશાબંધી વિભાગના નિયામકને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે લોક ડાઉનના સમયમાં દરેક શોપ બંધ છે એ આવકાર્ય છે, પરંતુ જે લોકો હેલ્થ ગ્રાઉન્ડ પર લીકર પરમીટ ધરાવે છે એ લોકો માટે નશાબાંધી વિભાગ દ્વારા ઓનલાઇન ઓર્ડર પોર્ટલ સેવા ચાલુ કરવી જોઈએ અને પરમીટ ધારકોએ ઓર્ડર આપેલા લીકરની હોમ ડીલીવરી થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કરવામાં આવ્યું છે.