ભરૂચ શહેરના ગાંધીચોકથી ચાર રસ્તા વચ્ચે બિસ્માર માર્ગને પગલે સ્થાનિક વેપારીઓએ નગરપાલિકા કચેરીએ હલ્લો મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના વોર્ડ નંબર-૧૦માં આવેલ ગાંધીબજાર વિસ્તારમાં બિસ્માર માર્ગ અને ગટરની સમસ્યાને પગલે વેપારીઓ હેરાન પરેશાન થઇ ઉઠયા છે. આ સમસ્યાઓ અંગે વારંવાર તંત્રમાં રજૂઆત બાદ પણ યોગ્ય પગલા નહી ભરતા રોષે ભરાયેલા વેપારીઓએ નગરપાલિકાની કચેરીએ પહોંચી જઈ નગર પાલિકના મુખ્ય અધિકારી સંજય સોનીને ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચના ગાંધીબજારમાં બિસ્માર માર્ગના પગલે રહીશોનો નગરપાલિકા કચેરીએ હલ્લો - વરસાદ
ભરૂચ: શહેરના ગાંધીબજારમાં બિસ્માર માર્ગના પગલે રહીશોએ નગરપાલિકા કચેરીએ હલ્લા બોલ કરી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા અંગે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. ચીફ ઓફિસરએ ટૂંક સમયમાં સમારકામની ખાતરી આપી હતી.
વેપારીઓએ નગર પાલિકાના જેસીબી મશીન લઈને આવતા કામદારો યોગ્ય કામગીરી નહી કરતા હોવાનો રોષ ઠાલવ્યો હતો અને હાલમાં પડેલા વરસાદને પગલે ગટરો અને માર્ગો અત્યંત બિસ્માર થઇ ગયા છે જેને પગલે આ વિસ્તારોમાં કોઈ ફરકતું નથી તેવા આક્ષેપો કર્યા હતા જેથી તંત્ર વહેલી તકે યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી હતી.
આ અંગે નગર પાલિકાના મુખ્ય અધિકારીઓએ વોર્ડ નંબર-૧૦માં પ્રાથમિક સુવિધા માટે રૂપિયા ૩.૨૭ લાખના ખર્ચે ચોમાસા પછી કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્ઉયું હતું. ઉપરાંત હાલમાં ખાબકેલા ભારે વરસાદને પગલે ગટરોમાં કચરો નાખવાથી ગટરો ચોકઅપ થઇ જવાથી સમસ્યા ઉદભવી છે તો લોકો ગટરોમાં કચરો નહી નાખે તેવી અપીલ કરી, આ વિસ્તારમાં ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નગર પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરાતા, તેમણે ટૂંક સમયમાં સમારકામની ખાતરી આપી હતી.