ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના ઝાડેશ્વર ગામમાં બનેલ ચકચારી લૂંટનો ભેદ ઉકેલાયો, તમામ મુદ્દામાલ સહિત બે આરોપી ઝડપાયા

ભરૂચના ઝાડેશ્વર ગામમાં વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ કરવાના મામલે ભરૂચ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત તેઓની પાસેથી તમામ મુદ્દામાલ રીકવર કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આરોપીઓ વૃદ્ધાના મકાનમાં રિનોવેશનનું કામ કરતા હતા.

તમામ મુદ્દામાલ સહિત બે આરોપી ઝડપાયા
તમામ મુદ્દામાલ સહિત બે આરોપી ઝડપાયા

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 9:53 PM IST

ઝાડેશ્વર ગામમાં બનેલ ચકચારી લૂંટનો ભેદ ઉકેલાયો

ભરૂચ :ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં ગતરોજ ચકચારી લૂંટનો બનાવ સામે આવ્યો હતો. અહીં ઘરમાં એકલી રહેતી વૃદ્ધ મહિલાને બંધક બનાવી અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. ત્યારે આ લૂંટનો ભેદ ઉકેલી ભરુચ ક્રાઈમ બ્રાન્ચ અને સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં જ બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર ઘરના રીનોવેશન કરતા મજૂરોએ લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે.

ચકચારી લૂંટનો બનાવ : આ બનાવની માહિતી અનુસાર ઝાડેશ્વરના નેતાજી ફળિયામાં વૃદ્ધ મહિલા રમીલાબેન એકલા રહે છે. ગતરોજ બે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી મહિલાને બંધક બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડની લૂંટ ચલાવી હતી. આ બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ PI ઉત્સવ બારોટ તેમજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના PI એચ.બી. ગોહિલે લૂંટારુઓનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરી હતી.

પોલીસ તપાસ શરૂ : જેના ભાગરૂપે ભરૂચ LCB તથા C ડિવિઝન સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી વૃદ્ધ મહિલાના ઘરની આસપાસના તથા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ભરૂચ શહેરમાં લગાવેલ નેત્રમ કેમેરાના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. ઉપરાંત ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી આ લૂંટનો ગુનો શોધી કાઢવા વર્ક આઉટ હાથ ધર્યું હતું. કોમ્બિંગ નાઈટ દરમિયાન પોલીસ ટીમોએ CCTV ફૂટેજ મારફતે આરોપીનો ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બે આરોપી ઝડપાયા :ભરૂચ DySP આર. આર. સરવૈયાએ જણાવ્યું હતું કે, આ દરમિયાન આરોપીઓની બાતમી મળી હતી. જેના આધારે ભરૂચ શહેર ભોલાવ રોડ બ્રિજ નીચે બૌડા સર્કલ પાસેથી લૂંટમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ સાથે મૂળ દાહોદ જિલ્લાના ગરબાડાનો ઉમેશ મેડા તેમજ અજય મેડાની અટક કરવામાં આવી હતી. બંને લૂંટારૂઓને ઝડપી પૂછપરછ કરતા બંને લુટારુઓ ગુનો સ્વીકાર્યો હતો.

જાણભેદુએ કરી રેકી : પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, ઝાડેશ્વર ગામમાં વૃદ્ધાના નવા બનતા મકાનમાં મજૂરી અર્થે જતા આરોપીએ વૃધ્ધા એકલા રહેતા હોવાથી લૂંટ કરવાનું નક્કી કરી કર્યું હતું. આ લુંટના ગુનાને અંજામ આપવા 3 દિવસ અગાઉ શક્તિનાથ નજીકની એક સોસાયટીમાંથી મોટર સાઇકલની ચોરી કરી અને ભરૂચના શાલીમાર નજીક એક કપડાની દુકાનમાંથી રોકડા રૂપિયા તથા રેડીમેઇડ કપડાંની ચોરી કરી હતી.

તમામ મુદ્દામાલ રીકવર કર્યો : પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની મોટર સાયકલ, સોનાની જણસો-ચાંદીના સિક્કા, મોબાઇલ તથા રોકડ રૂપિયા સહિત કુલ કિંમત રૂ. 1 લાખ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ લૂંટ કે ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તથા આ લૂંટમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી વગેરે અંગે વધુ તપાસ અને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

કોણ છે લુંટારુ ? ભરૂચ DySP આર. આર. સરવૈયાના જણાવ્યા અનુસાર લૂંટની જાણ થતા જ ભરૂચ પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇન્ટેલિજન્સ હ્યુમન રિસોર્સ અને સર્વેલન્સ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. તેમાં બે શંકાસ્પદ ઈસમો જણાતા તેઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન તેઓએ ઝાડેશ્વર ખાતે થયેલી લૂંટનો ગુનો કબુલ કર્યો હતો. ઉપરાંત ભરૂચના અન્ય ત્રણ સ્થળોએ પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ તો આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

  1. ભરૂચના ઝાડેશ્વર ગામમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટ ચલાવી, દિવાલમાં બખોલ બનાવી ઘરમાં પ્રવેશ્યા લૂંટારું
  2. Bharuch Crime : અંકલેશ્વર કમલમ તળાવમાંથી કોથળામાં યુવતીનો મૃતદેહ મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા

ABOUT THE AUTHOR

...view details