- અંકલેશ્વરમાં ફાયનાન્સ કંપનીમાંથી સોનાની લૂંટનો કેસ
- પોલીસની ત્રણ ટીમો લૂંટારાઓનું પગેરું મેળવવાના કામે લાગી
- વાહન ચેકિંગ સાથે વિવિધ પોઈન્ટના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યાં
ભરૂચ: અંકલેશ્વરમાં ફાયનાન્સ કંપનીમાં રૂપિયા 3.29 કરોડના સોનાની લૂંટના મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પોલીસની ત્રણ ટીમ લૂંટારુંઓનું પગેરું મેળવવા કામે લાગી છે, તો આ તરફ વાહન ચેકિંગ દરમિયાન પોલીસને જોઈને ભાગી રહેલાં શંકાસ્પદ ઇસમની પોલીસે અટકાયત કરી છે. અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (IIFL)માં 282 ગ્રાહકોએ ગિરવી મૂકેલા રૂપિયા 3.29 કરોડના સોનાના દાગીના અને રોકડ રૂ. 1.79 લાખ મળી કુલ 3.31 કરોડની મતાની લૂંટ ચલાવી ટોપી-માસ્ક ધારી લૂંટારાઓ 6 કર્મચારીને બંધક બનાવી ફરાર થઇ ગયા હતાં.
- લૂંટારુઓ જે રુટ પર ભાગ્યાં તેની સીસીટીવી ચકાસણી શરૂ
આ મામલામાં દિલધડક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતાં. બનાવની જાણ થતાંની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાયાં બાદ પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ કુલ ત્રણ ટીમ બનાવવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા લૂંટારૂઓ જે રૂટ પર ભાગ્યા હતાં, એ રૂટ પર આવતાં વિવિધ પોઈન્ટના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત હ્યુમન ઈન્ટેલિજ્ન્સના આધારે લૂંટારુઓનું પગેરું શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.
વાહન ચેકિંગ સાથે વિવિધ પોઈન્ટના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યાં - વાહન ચેકિંગ દરમિયાનએક શંકાસ્પદ ઇસમ ઝડપાયો
આ તરફ પોલીસ દ્વારા વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં વિવિધ સ્થળે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક પોલીસને જોઈ ભાગતા એક શંકાસ્પદ ઇસમને પોલીસે ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી.