ભરૂચઃ પ્રમુખ સુરભી તમાકુવાલાની અધ્યક્ષતામાં ગુરૂવારે ભરૂચ સેવા સદનની સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2020-21ના બજેટને ભારે ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હતી. આ બજેટમાં આગામી વર્ષ માટે કુલ આવક 150.71 કરોડ આંકવામાં આવી છે, જેની સામે કુલ ખર્ચ રૂપિયા 134.29 કરોડ દર્શાવાયો છે. જેથી રૂપિયા 150.71 કરોડના 16.42 કરોડના પુરાંત વાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
બજેટમાં ઈ-નગર યોજના, રૂપિયા 35.54 કરોડનો સ્યુઈજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂપિયા 9.5 કરોડના ખર્ચે મકતમપુર અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂપિયા 19 કરોડના ખર્ચે ભરૂચ શહેર માટે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ, ધાર્મિક સ્થળોએ સાઈન બોર્ડ મુકવા, શહેરમાં 10 સ્થળોએ 16 લાખના ખર્ચે આર.ઓ.વોટર મશીન, શહેરના વિવિધ માર્ગો પહોળા કરવા, જે.બી.મોદી પાર્ક નજીક જીમ કમ યોગા સેન્ટર, કસક ગરનાળાનું નવીનીકરણ, સીટી બસ સેવા, નથ્થુ થોભણ ધર્મશાળાનું નવીનીકરણ સહિતના પ્રોજેક્ટની જોગવાઈ કરવામાં આવી છે.