ભરૂચઃ વિકસતા જતા ભરૂચમાં વાહનોની સંસ્ખ્યા વધી રહી છે અને ટ્રાફિકનો પ્રશ્ન દિનપ્રતિદિન વિકટ બની રહ્યો છે. ત્યારે ભરૂચમાં રાજ્ય સરકાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત સૂત્ર સાથે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર 358 CCTV અને એન.પી.આર.કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે આગામી તારીખ 16 જૂનના રોજથી પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ મેમો આપવાની શરૂઆત કરવામાં આવશે.
ભરૂચમાં 16 જૂનથી પોલીસ દ્વારા ઇ-મેમોની શરૂઆત
ભરૂચમાં 16 જૂનથી પોલીસ દ્વારા ઇ મેમોની શરૂઆત કરવામાં આવશેે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર 358 CCTV અને એન.પી.આર.કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ઝડપાશો તો મેમો સીધો તમારા ઘરે આવશે અને બાદમાં તેના દંડની રકમ તમારે ભરપાઈ કરવી પડશે. હેલમેટ ન પહેરવું, ત્રિપલ સીટ બાઈક હંકારવું, ઓવરસ્પીડ જવું, રોંગ સાઈડ જવું અને કારમાં સીટ બેલ્ટ ન બાંધવો સહિતનાં ટ્રાફિકના નિયમોનું પાલન જરૂરી છે અને આ તમામ નિયમોનો ભંગ કરતા ઝડપાયા તો હવે તમારે દંડ ભર્યે જ છૂટકો છે. આ માટે ભરૂચ જિલ્લા પોલીસવડા કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં અત્યંત સાંકડા માર્ગો છે, જ્યારે જિલ્લામાં ટ્રાફિક પોઈન્ટ નથી, ટ્રાફિક સિગ્નલ કે નથી ઝીબ્રા ક્રોસિંગ આવી પરિસ્થિતિ વચ્ચે ઈ મેમો પ્રોજેક્ટની શરૂઆત સામે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. તંત્ર પહેલા ટ્રાફિક નિયમોના પાલન માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરે પછી ઈ મેમોની શરૂઆત કરે એવી ચર્ચા ચાલી રહી છે. જો કે CCTV કેમેરા લાગવાથી શહેરની સુરક્ષા વધશે અને ગુન્હાખોરીમાં ગુન્હેગારોને પકડવામાં પણ પોલીસને સરળતા રહેશે.