- ભરૂચ જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસને લઈને તંત્રમાં દોડભાગ
- જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી અને NOCની તપાસ થશે
- કોરોનાના વધતા કેસોને લઈ જિલ્લા પ્રભારીની તંત્ર સાથે સમીક્ષા બેઠક
ભરૂચમાં કોરોનાને 1 વર્ષ પૂર્ણ, પોઝિટિવ કેસ વધતા સ્કેનિંગ અને વેક્સિનેશનની કામગીરી તેજ કરવા ટકોર - Corona News in Gujarat
ભરૂચ જિલ્લામાં વધતા કોરોનાને કેસો અને વેક્સિનેશન માટે ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર શાહ મીના હુસૈન દ્વારા કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
ભરૂચ: કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનએ જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ધન્વંતરિ રથની ટીમો દ્વારા દરેક વિસ્તારમાં જઈને 45 થી 60વર્ષના લોકોને કોરોના ટેસ્ટ કરવાની અને અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામદારોના સ્કેનિંગની કામગીરી વધારવા આરોગ્ય વિભાગને સૂચનાઓ આપી હતી.
વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા સૂચના
બેઠકમાં લોકો વધુમાં વધુ વેક્સિન લે તે માટે ખાસ કરીને ગામડાઓમાં સરપંચ સાથે મિટિંગ કરીને અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં વેક્સિન અંગે જાગૃતતા લાવવા સાથે સુરક્ષિત વેક્સિન છે, એવો વિશ્વાસ અપાવવા માટે ફિલ્મો અને પ્લેકાર્ડ બતાવીને જાગૃતતા લાવવા જણાવ્યું હતું. વધુમાં આરોગ્ય વિભાગને સૂચના આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં જે કોઈ પણ નાગરિક વેક્સિન લેવા માટે આવે તેમને માન સન્માન સાથે બેસાડીને અને કોઈ પણ તકલીફ ન પડે તે પ્રમાણેનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી.
માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સની ડ્રાઈવ શરૂ કરાશે
બેઠકમાં હાજર પોલીસ અધિકારીઓને શહેર-જિલ્લામાં માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ માટેની ડ્રાઈવ રાખવાનું પણ જણાવાયું હતું. ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં જેટલી પણ હોસ્પિટલો છે, તેમાં ફાયરની સુવિધા હોવી જરૂરી છે અને ફાયર NOC ચેક કરવાનું પણ જણાવ્યું હતું.