ભરૂચઃ જિલ્લાએ આખરે કોરોના સામે હાલ પુરતી જંગ જીતી લીધી છે. રાજ્યના અન્ય શહેરોમાં કોરોના કાળો કેર બનીને વર્તી રહ્યો છે. ત્યારે વિદેશીઓની અવર જવર સાથે પર પ્રાંતિયોની મોટી હાજરી વચ્ચે પણ ભરૂચ જિલ્લો કોરોના વોરીયર્સ બનીને ઉભરી આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 27 પોઝેટીવ કેસ નોધાયા હતા. જે પૈકી 2 દર્દીના મોત નીપજતા 25 દર્દી સારવાર હેઠળ હતા, જો કે 22 દર્દીઓ સાજા થઇ જતા તેઓને અગાઉ રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ ગુરુવારે વધુ ત્રણ દર્દી સાજા થતા અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રજા આપવામાં આવેલા દર્દીના નામ પર નજર કરીએ તો ભરૂચના ફરહાના શેખ અને તેમની 11 વર્ષીય પુત્રી અશફીયા શેખ તેમજ કસક વિસ્તારમાં રહેતા મોઈન સૈયદને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તેઓને ઘરે રવાના કર્યા હતા. આમ હવે કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ભરૂચ જિલ્લાના કોઈ જ દર્દી નથી. માત્ર અમદાવાદના જ બે ટ્રક ચાલક સારવાર હેઠળ છે.