ભરૂચ ભાજપના હોદ્દેદારનો દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ - ભાજપ હોદ્દેદારનો દારૂની બોટલ સાથે કાયદાને પડકાર
ભરૂચ: જિલ્લા ભાજપના હોદ્દેદારનો દારૂબંધીના લીરેલીરા ઉડાડતો, ભાજપ હોદ્દેદારનો દારૂની બોટલ સાથે કાયદાને પડકાર ફેંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. સ્ટેટ કંટ્રોલ બ્યુરોના આદેશથી ભરૂચ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
ભરૂચ ભાજપ OBC મોરચાના કાર્યકર મોદીનો હાથમાં દારૂની બોટલ સાથેનો ટીકટોક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે હાથમાં વિદેશીદારૂની બોટલ બતાવવા સાથે તેના ગિરેબાન પર કોઇ જ હાથ ન નાંખી શકે તેવા ડાયલોગ માર્યો હતો. ઉપરાંત પોતાની સરખામણી PM મોદી સાથે પણ કરી હતી. ભરૂચ ભાજપ OBCના ઉપપ્રમુખ કમલેશ મોદીના દારૂબંધીના લીરેલીરા ઉડાડતા વીડિયોએ ચકચાર મચાવી છે. પહેરેલા સોનાનો ઘમંડ અને નરેન્દ્ર મોદીના નામના ઉલ્લેખ સહિત કાયદાને પડકાર ફેંકતા વીડિયોની ગૃહ વિભાગે ગંભીર નોંધ લેતા સ્ટેટ કંટ્રોલએ ભરૂચ પોલીસ પાસે મામલાની માહિતી માગી છે.