- વનરાય ફૂલોના મહારાજા કેસૂડાં સોળે કળાએ ખીલી ઉઠ્યા
- કેસૂડાંના ફૂલોને પાણીમાં નાખીને સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે
- પહેલાના સમયમાં કેસૂડાંના ફૂલથી ધૂળેટી રમાતી હતી
ભરૂચઃફુલગુલાબી ઠંડીની સિઝન પુરી થતાં જ રંગોનો તહેવાર હોળી-ધૂળેટીનું પર્વ નજીક આવતા જ વનરાય ફૂલોના મહારાજા કેસૂડાં સોળે કળાએ ખીલી ઉઠે છે. ભરૂચના ઝઘડીયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં કેસૂડાંના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃકેમિકલના રંગોની સામે આજે પણ શાનથી ખીલે છે કેસૂડો
કેસૂડાંના ફૂલના કારણે સૌંદર્ય ખીલ્યું
ફાગણ માસના ધમધોખતા તાપના દિવસો આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચૂક્યો છે. જો કે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાંના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે. પરંતુ અંતરિયાળ ગામના લોકો આજે પણ કેસુડાંના ગુણોને સમજીને કેસુડાંના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરે છે. ભરૂચના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ પંથકમાં કેસૂડાંના ફૂલ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં જંગલ વિસ્તારોની શોભા વધારે છે.
આ પણ વાંચોઃફાગણની ફોરમ કેસૂડાંનું આ મહત્ત્વ જાણો અને હરખે રંગાવ આ રંગમાં...
આરોગ્યની દ્રષ્ટિએ પણ કેસૂડાંના ફૂલ ફાયદાકારક
આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાંના ફૂલો પર ઘણાં આયુર્વેદિક સંસોધનો થઈ ચૂક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો છે. કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે. કેસૂડાંના ફૂલોને પાણીમાં નાખીને સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટી જાય છે. કેસૂડાંનું પાણી પણ ઉત્તમકારી છે, જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે.