ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં પોલીસના નામે રોફ જમાવવાનું એક ઇસમને ભારે પડી ગયું હતુ. અંકલેશ્વર GIDCમાં આવેલા સંસ્કારધામ સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોસાયટીમાં એક માસ પહેલા રહેવા આવેલા અને મૂળ મહારાષ્ટ્રનાં રહેવાસી વિજય રાજેન્દ્ર રણસિંગને આમંત્રિત કર્યો હતો.
અંકલેશ્વરમાં ATSના PI હોવાનો રોફ જમાવતા એક ઇસમની GIDC પોલીસે ધરપકડ
અંકલેશ્વરમાં ATSના PI હોવાનો રોફ જમાવતા એક ઇસમની GIDC પોલીસે ધરપકડ કરી હતી. તે ઇસમ પોલીસનો યુનિફોર્મ પહેરી પિસ્તોલ સાથે ધાર્મિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા પહોંચ્યો હતો. ત્યારે જ પોલીસે પહોંચીને નકલી PIને ઝડપી પાડ્યો હતો.
વિજયે પોતે સોસાયટીમાં રહેવા આવ્યો ત્યારથી તેને ATSના PI હોવાની ઓળખ આપી હતી. આરતીના સમયે વિજય પોલીસની વર્ધી પહેરી પિસ્તોલ સાથે ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યો હતો. જો કે, ત્યાં જ GIDC પોલીસની એન્ટ્રી થઈ હતી. સાચા પોલીસકર્મીઓને જોઈ નકલી પોલીસ વિજયના હોશકોશ ઉડી ગયા હતા. GIDC પોલીસે વિજય રાજેન્દ્ર રણસિંગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા તે પોલીસનો યુનિફોર્મ વડોદરાથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પિસ્તોલ તેણે હાઈવે પરથી એક શખ્સ પાસે ખરીદી હોવાનો ખુલાસો થયો હતો.