ભરૂચઃ જિલ્લાની ૬ વર્ષીય દુર્વા તેનો જન્મદિવસ અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવે છે. દુર્વા પોતાના જન્મદિવસે જરૂરિયાતમંદ લોકોના ચહેરા ઉપર સ્મિત છલકાવતી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરે છે. આજના સમયમાં જન્મદિવસની ઉજવણી વેસ્ટર્ન કલચરની દેખાદેખીમાં પરિવર્તિત થઇ રહી છે, ત્યારે ભરૂચની ૬ વર્ષની દુર્વા પોતાના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયક રીતે કરે છે. ત્રીજી વર્ષગાંઠથી દુર્વા પોતાના જન્મદિવસની ઉજવણીમાં ગરીબ અને જરૂરિયાતમંદોને સામેલ કરે છે.
ભરૂચની ૬ વર્ષીય દુર્વાએ કરી જન્મદિવસની ખાસ ઉજવણી, 18 યુવતીઓનું મેકઓવર અને ભૂખ્યાંઓને ભોજન કરાવ્યું
છ વર્ષની ઉંમરે સામાજિક કાર્યો કરવાની સમજણ ભાગ્યે જ કેળવાઈ હોઈ શકે. તેવો સ્પેશિયલ દાખલો ભરુચની દુર્વાએ પૂરો પાડ્યો છે. પોતાના છઠ્ઠા જન્મદિવસની ઉજવણી નિમિત્તે દુર્વાએ 18 સામાન્ય વર્ગની યુવતીઓને મેકઓવર કરવાની ગિફ્ટ આપી અને ભૂખ્યાઓને ભોજન પણ કરાવ્યું હતું.
ત્રીજી વર્ષગાંઠે બર્થડે પાર્ટી ન કરી દુર્વાએ એક ગરીબ જરૂરિયાતમંદ બીમાર બાળકીનો ઈલાજ કરાવ્યો, ચોથી વર્ષગાંઠે ગરીબ બાળકો સાથે પાર્ટી મનાવી અને ગિફ્ટ આપી, પાંચમી વર્ષગાંઠે સિવિલ હોસ્પિટલમાં બાળ વિભાગના બાળકોને કપડાં અપાવ્યાં અને આજે છઠ્ઠી વર્ષગાંઠે દુર્વાએ 18 ગરીબ કિશોરીઓ અને યુવતીઓનું મેકઓવર કરવા સાથે ભૂખ્યાઓને ભોજન કરાવ્યું હતું.
દુર્વાને પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવામાં જન્મદિવસની સાચી ઉજવણી હોવાની અપાયેલી સમજનો નાની વયની આ ટચૂકડી બાળકીએ સહર્ષ સ્વીકાર કરી જન્મદિવસની ઉજવણીમાં સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી રહી છે.