- અંકલેશ્વરની એક સોસાયટીએ ખાનગી કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું
- સોસાયટીના રહીશ કોરોના સંક્રમિત થાય તો ત્યાં જ આપવામાં આવે છે સારવાર
- ત્રણ બેડ અને ઓક્સિજન સહિતની સુવિધા ઉભી કરી
અંકલેશ્વરઃ કોરોનાની બીજી લહેર સાથે મોટા શહેરોમાં હોસ્પિટલમાં બેડની અછત ઉભી થઇ રહી છે. કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે. તે વચ્ચે અંકલેશ્વરમાં 300 મકાનની એક સોસાયટીએ પોતાનું પ્રાઇવેટ કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું છે. 1500 લોકોની વસ્તી ધરાવતી સોસાયટીએ અલાયદા કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેશન, ઓક્સિજન મોનીટરીંગ અને ઓક્સિજન ટ્રીટમેન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરી છે.
અંકલેશ્વરની એક સોસાયટીએ ખાનગી કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું સોસાયટીના 14 લોકો કોરોના સંક્રમિત
અંકલેશ્વરની અંબે ગ્રીન રેસીડેન્સી કદાચ એવી પ્રથમ રેસિડેન્શિયલ સોસાયટી છે જેને પોતાના રહીશો માટે અલાયદું કોવિડ કેર સેન્ટર તૈયાર કર્યું છે. સોસાયટીમાં 14 લોકો સંક્રમિત થયા બાદ સ્થાનિકોને વિચાર આવ્યો અને તેનું અમલીકરણ કરાયું. જ્યાં એકસાથે 3 લોકો સારવાર લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટરનું સંચાલક કરતા ડો. હરેશ શાહે જણાવ્યું હતું કે સેન્ટરમાં મોનીટરીંગ અને ઓક્સિજન સુવિધા ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં માત્ર એક જ દર્દીને બહારની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની જરૂર પડી હતી.
સંક્રમિત રહીશો પાસે નથી વસુલાતો ચાર્જ
અંબે ગ્રીન રેસીડેન્સીમાં કોરોના સંક્રમિત થતા સોસાઈટીના રહીશ પાસે સારવારના કોઈ ચાર્જ વસુલવામાં આવતા નથી. દવા, ઓક્સિજન અને મોનીટરીંગ સહિતના ખર્ચ સોસાયટી ઉપાડે છે. દર્દીને સારી અને ઘરના આંગણે સારવાર મળે તે બાબતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.