ભરૂચ નગર સેવા સદનમાં છેલ્લા 25 વર્ષથી ભાજપના શાસન સામે પ્રશ્નો ઉભા કરી નિવૃત્ત સરકારી કર્મચારીએ તંત્રને નિંદ્રામાંથી જગાડવા ગાંધીગીરી શરુ કરી છે. ભરૂચના રહીશ એવા બિપીનચંદ્ર જગદીશવાલા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ, બિસ્માર માર્ગો અને ડોર ટુ ડોર સેવામાં ગોબાચારી મામલે છેલ્લા 3 મહિનાથી લડત ચલાવી રહ્યાં છે.
ભરૂચના નિવૃત્ત સરકારી કર્મચારીઓની વિવિધ મુદ્દે નગરપાલિકા સામે ગાંધીગીરી - Bharuch nagar seva sadan
ભરૂચ: નિવૃત્ત સરકારી કર્મચારીની શહેરના વિવિધ પ્રશ્ને નગરપાલિકા સામે ગાંધીગીરી કરી હતી. નગર સેવા સદન દ્વારા પ્રાથમિક સુવિધા ન અપાતી હોવાના આક્ષેપ સાથે તેઓ દ્વારા આમરણાંત ઉપવાસ શરુ કરવામાં આવ્યા હતા.
જો કે, તેઓના પ્રશ્નોનો કોઈ જ ઉકેલ ન આવતા આજથી તેઓએ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા હતા. નિવૃત્ત સરકારી કર્મચારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, નગર પાલિકા સહિત ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ આપવામાં આવ્યું નથી. ત્યારે જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી તેઓએ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે, અરજીકર્તાના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે તેઓ સાથે વાતચીત પણ થઇ હતી. અને બધા પ્રશ્નોનો તાકીદે નિકાલ લાવવામાં આવશે. તંત્ર દ્વારા તો પ્રશ્ન નિરાકરણનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે, નિવૃત્ત સરકારી કર્મચારીનાં આમરણાંત ઉપવાસ ક્યારે સમેટાઈ અને લોકોના પ્રશ્નોનું ક્યારે નિરાકરણ આવે.