- ભરૂચમાં વકીલના મોતના મામલામાં 4 આરોપીની ધરપકડ
- સુપર સ્ટોર પર નજીવી બાબતે વકીલને માર મરાતા 10 દિવસ બાદ સારવાર દરમિયાન મોત
- રાજકીય ઈશારે પોલીસ કામગીરી ન કરતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ કર્યા ધરણા
ભરૂચમાં વકીલના મોત મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી
ભરૂચ : ભોલાવ વિસ્તારમાં આવેલી અલકનંદા ગેલેક્ષી સોસાયટીમાં રહેતાં જશુભાઈ ઝઘડિયા કોર્ટમાંથી રજીસ્ટ્રાર કમ નાઝર તરીકે નિવૃત્ત થયેલાં અને ભરુચ કોર્ટમાં વકિલાત કરતા હતા. જશુભાઇ દયાલભાઇ જાદન ગત 17મીએ નજીકમાં આવેલી વ્રજ વિહાર સોસાયટીની કચ્છ સુપર સ્ટોર નામની દુકાનમાં સામાન ખરીદી કરવા ગયાં હતાં.જ્યાં કાઉન્ટર પાસે ઉભેલાં દિનુભા શિવસિંહ રાણા નામના શખ્સ સાથે સામાન્ય બાબતે તકરાર થતાં દિનુભાએ તેના અન્ય ત્રણ સાગરિતો પ્રવિણ તેમજ અન્ય બે શખ્સો સાથે મળી તેમના પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
વકીલનું સારવાર દરમિયાન મોત
તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પોલીસ ફરિયાદ કરી હોવા છતાં 10 દિવસમાં એક પણ આરોપીની ધરપકડ થઇ ન હતી. વકીલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, તેમના મૃત્યુને લઇને પરિવારજનોમાં ભારે રોષ ફાટ્યો હતો. પરિવારજનો અને તેમના સગાસંબંધોઓએ હોસ્પિટલની બહાર જ ધરણાં કરી આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની તેમજ તેમની ધરપકડ કરવાની માંગ સાથે હંગામો મચાવી મૃતદેહ ઉઠાવવાનો ઇન્કાર કર્યો હતો.
આરોપીઓનો કેસ નહીં લડીયે બાર એશોશિયેશન
વકીલના મોતના મામલામાં સમાજ અને પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે પોલીસે મામલામાં મુખ્ય આરોપી દિનુભા રણા, પ્રવીણસિંહ રણા,અજીતસિંહ રણા અને રાજેન્દ્રસિંહ રણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચમાં વકીલ પર હૂમલા બાદ તેમના મૃત્યુ થવાની ઘટનાને ભરૂચ જિલ્લા બાર એસોસિએશને વખોડી કાઢી હતી. ઉપરાંત મૃતક વકીલ જશુભાઇ જાદવના પરિવરને ન્યાય મળે તે માટે ખાસ ઠરાવ કરી નક્કી કરવામાં આવ્યું છે કે, તેમના પર હૂમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓના વકીલ તરીકે એસોસિએશનનો એક પણ વકીલ કેસ લડશે નહીં.