ભરૂચ: ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ જોખમી સ્તરે વધી રહ્યું છે. બુધવારે ભરૂચ જિલ્લા અને શહેર મળીને કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ભરૂચમાં 11, અંકલેશ્વરમાં 5 અને જંબુસરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત 12 વ્યક્તિઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
ભરૂચમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ 250 લોકો સંક્રમિત - Corona cases in jambusar
ભરૂચ જિલ્લામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. બુધવારે એકસાથે 18 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા સંક્રમણ જોખમી બન્યું છે. જેના પગલે કુલ સંક્રમિત કેસની સંખ્યા વધીને 250 થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 13ના મોત નીપજ્યા છે જ્યારે 121 સ્વસ્થ થયા છે.
આ તરફ જંબુસરના એક વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 250 થઇ છે. જે પૈકી હાલ સુધી 121 લોકો સાજા થતા રજા આપવામાં આવી છે તો 13 લોકોના મોત નીપજ્યા છે. હવે કોરોનાના 116 કેસ એક્ટીવ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 16 જુને ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 100 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 27 જુને 100 કેસ અને માત્ર ત્રણ જ દિવસમાં વધુ 50 કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 250 પર પહોચી છે જે એક ચિંતાનો વિષય છે. સ્થાનિક સંક્રમણ હવે તેના મૂળ સ્વરૂપમાં વધી રહ્યું છે ત્યારે લોકો જાતે જ સાવચેત રહે અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવે એ અત્યંત જરૂરી છે.