- ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી કૌન બનેગા કરોડપતિમાં ઝળક્યો
- બન્યો રૂ. 25 લાખની માતબર રકમનો વિજેતા
- પિતા દહેજ રિલાયન્સ કંપનીના કર્મચારી
ભરૂચના 14 વર્ષીય અનમોલ શાસ્ત્રીએ કૌન બનેગા કરોડપતિમાં ઝળકી રૂ. 25 લાખ જીત્યા
ભરૂચ: મૂળ મધ્યપ્રદેશના અને હાલ ભરૂચની રિલાયંસ કોલોનીમાં રહેતા બ્રિજેશ શાસ્ત્રીનો 14 વર્ષીય દીકરો અનમોલ કૌન બનેગા કરોડપતિ જુનિયર માટે સિલેક્ટ થયો હતો. સોમવારના રોજ અનમોલ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર જોવા મળ્યો હતો. અનમોલે એક બાદ એક સવાલોના સાચા જવાબ આપી રૂ. 25 લાખની રકમ જીતી હતી.
પરિવારજનો થયા ખુશખુશાલ
અનમોલને નાનપણથી જ વાંચનનો શોખ છે અને તેની રૂચિ ખગોળ વિજ્ઞાન તરફ ખૂબ છે. તે ધો. 8 માં અભ્યાસ કરે છે. અને નાનપણથી જ તેની વિજ્ઞાન પ્રત્યેનો રસ તથા અવનવું જાણવાની તાલાવેલી તેને કોન બનેગા કરોડ પતિના મંચ સુધી લઇ ગઈ હતી.અનમોલ મોટો થઈને ખગોળ વિજ્ઞાનમાં આગળ વધવા માંગે છે. અનમોલના પિતા રિલાયંસ કંપનીમાં સેફટી વિભાગમાં ફરજ બજાવે છે. સામાન્ય પરિવારનો અનમોલ આટલી માતબર રકમ જીતતા તેના પરિવારજનો ખુશખુશાલ છે. હાલ તો અનમોલે જીતેલી રકમ તેના એકાઉન્ટમાં એફ.ડી. કરવામાં આવી છે અને તે જયારે 18વર્ષની વયનો થશે ત્યારે તે આ રકમનો ઉપયોગ કરી શકશે.
અમિતાભ બચ્ચનને મળીને ખૂબ જ સારું લાગ્યું: અનમોલ
કૌન બનેગા કરોડપતિ જુનિયરની હોટ સીટ પર બેસનાર અનમોલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે તેને અમિતાભ બચ્ચનને મળીને ખૂબ જ સારું લાગ્યું, વધુમાં તેણે જણાવ્યું હતું કે પહેલા તેને કવિઝ કોન્ટેસ્ટમાં એટલી રુચિ ન હતી પરંતુ તેની માતાના પ્રોત્સાહનના કારણે તે ક્વિઝ કોન્ટેસ્ટમાં ભાગ લેવા લાગ્યો અને આખરે કેબીસીની હોટ સીટ સુધી પહોચી ગયો.
અનમોલ ચેસ પણ ખૂબ જ સારી રીતે રમે છે: પિતા
ગજબની યાદ શક્તિ ધરાવનાર અનમોલના પિતા બ્રિજેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અનમોલને વાંચનના શોખ સાથે ચેસ રમવાનો પણ શોખ છે અને આ રમતમાં તે તેમના પિતાને પણ હરાવી દે છે.