અંકલેશ્વરમાં 5 દિવસમાં ચોરીના 11 બનાવ, પોલીસ તંત્ર પર ઉઠ્યાં સવાલ - અંકલેશ્વર ચોરી
અંકલેશ્વરઃ ઓદ્યોગિક નગર અંકલેશ્વરમાં 5 દિવસમાં ચોરીના 11 બનાવોથી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. વેકેશનનો માહોલ અને શિયાળાની દસ્તક સાથે જ અંકલેશ્વરમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. જેથી સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે, તો બીજી તરફ પોલીસ તંત્ર ચોરને પકડવામાં અસફળ રહ્યું છે. એટલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વરમાં વાહન ચોરી ,ઘરફોડ ચોરી અને ચીલઝડપના બનાવોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. નાઈટ પેટ્રોલિંગ અને પોલીસના ચોકસાઇના દાવાઓ સામે દરરોજ થતી ચોરીઓ સ્થાનિકોમાં અસલામતીની ભાવના ઉભી કરી રહી છે. દિવાળી, અયોધ્યા ચુકાદો અને ઇદેમિલાદમાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહી હતી. તે સમયગાળામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હતું. એટલે તકનો લાભ ઉઠાવી ચોરોએ એક પછી એક ચોરીઓ કરી હતી. વળી, દિવાળી વેકેશનમાં લોકો બહારગામ જતાં હોવાથી તસ્કરોનું કામ સરળ બની ગયું છે. જેથી છેલ્લા 5 દિવસમાં ચોરીના 11 જેટલા બનાવો નોંધાયા છે. જેનાથી પોલીસની ઊંઘ હરામ થઇ ગઈ છે. પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગનાં મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ, ચોરીના વધતાં આંકડા પોલીસના દાવાની પોલ ખુલ્લી પાડે છે.