ડીસામાં પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવી છે અને શહેરના મોટાભાગના વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે. બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાં પણ હજુ સુધી ભૂગર્ભ ગટરમાં જોડાણના આપવાના કારણે કેટલાય વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા પ્રવર્તી રહી છે.
ડીસામાં મહિલાઓએ ગંદા પાણીના નિકાલ મામલે કરી ગાંધીગીરી
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં મહિલાઓએ ગંદા પાણીના નિકાલ મામલે ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો છે અને ભૂગર્ભ ગટર બનાવ્યા બાદ તેમાં જોડાણ ન આપતા 300 જેટલી મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
તે દરમિયાનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાએ રહીશોની વાતો ન સાંભળતા આજે જલારામ બંગલોઝની મહિલાઓએ ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો હતો અને 300 જેટલી મહિલાઓએ ડીસા નગરપાલિકામાં ઘસી આવી પાલિકા પ્રમુખની ચેમ્બર આગળ બેસી જઈ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો અને જ્યાં સુધી પાલિકા પ્રમુખ ભૂગર્ભ ગટરમાં જોડાણ માટે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી રામધૂન બોલવી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
જો કે બાદમાં પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી અને સ્થાનિક નગરસેવકોએ આ મામલે ઝડપી કાર્યવાહી કરવાની ખાત્રી આપતા મહિલાઓએ રામધૂન બંધ કરી હતી. આ બાબતે ડીસા નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે જલારામ બંગલોઝમાં ત્રણ વર્ષ અગાઉ ભૂગર્ભ ગટરનું કામ થયું હતું. જે બાદ આ સોસાયટીના લોકોએ જાતે જ પોતાના પાણીના કનેક્શન આપી દેવાના કારણે આજે ગટરોના પાણીના નિકાલ માટેની કોઈ સુવિધા નથી જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે.