- બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે પાણીની સમસ્યા શરૂ
- બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના કૂંડાળીયા ગામ માં પાણી વગર મહિલાઓ લગ્ન કરવા તૈયાર નથી
- સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા તંત્રની તૈયારીઓ છે
બનાસકાંઠા: આ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા શરૂ થઈ જતી હોય છે. ત્યારે આ વર્ષે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને અત્યારથી જ વાવ તાલુકાના કુંડાલીયા ગામમાં પાણીની તંગી શરૂ થઈ ચૂકી છે.
છેલ્લા 20 વર્ષથી પાણીની વિકટ સમસ્યા
દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સરહદી વિસ્તારના અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા શરૂ થતી હોય છે. સરકાર દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તેના કારણે પાણી માત્ર 10 દિવસમાં એકવાર જ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે પણ એવા ગામો આવેલા છે કે જ્યાં છેલ્લા 20 વર્ષથી પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે અને સરકારી શાળાઓ પણ સરહદ વિસ્તારમાં આવેલી છે. શાળાઓમાં પાણી ન મળતા વિદ્યાર્થીઓને પાણી પીવા માટે દૂર-દૂર સુધી જવું પડે છે.
આ પણ વાંચો:ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા શરૂ
કૂંડાલીયા ગામમાં પાણી વગર મહિલાઓ લગ્ન કરવા તૈયાર નથી
સુક્કા રણ પ્રદેશમાં આવેલા કુંડાલીયા ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને અહીના લોકો બુંદ-બુંદ પાણી માટે પણ તરસતા નજરે પડે છે. હજુ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ છે અને અત્યારથી જ કુંડાલીયા ગામમાં પાણીની તીવ્ર સમસ્યા ઊભી થઈ છે. આ ગામની મહિલાઓ જણાવી રહી છે કે, અમારા ગામમાં પાણી ન હોવાના કારણે આ ગામમાં અન્ય ગામની દીકરીઓ લગ્ન કરવા પણ તૈયાર નથી. જેના કારણે આ ગામના દીકરાઓને લગ્ન કરવા મુશ્કેલ બની રહ્યા છે.
સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા તંત્રની તૈયારીઓ
એક તરફ આ ગામની સ્થિતિ જોતા જ લોકોની સ્થિતિ જાણી શકાય છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર 'સબ સલામત હૈ'ની વાતો કરી રહ્યા છે. પાણી સમસ્યા મામલે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, અમે છેવાડાના માનવીને પણ કોઈ જ પ્રકારની તકલીફ ન પડે તે માટે પાણી પહોંચાડવા માટેની પૂરતી વ્યવસ્થા કરેલી છે.
આ પણ વાંચો:ઊનાળા શરૂઆત પહેલા દ્વારકમાં પાણીની સમસ્યા શરૂ
કાયમી પાણીની સમસ્યા દૂર કરવા સ્થાનિક લોકોની માગ
ETV BHARAT સાથે વાતચીત કરતા શાંતિભાઈ દરજીએ જણાવ્યું હતું કે, એક તરફ તંત્ર છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ આ વિસ્તારના લોકો પાણીની બુંદ બુંદ માટે તલસી રહ્યા છે. ત્યારે હવે સરકાર ખોટા બણગા ફૂંકવાને બદલે નક્કર કામગીરી કરીને અહીંના લોકોની પાણી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.