બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પણ નવા નીર આવવાના શરૂ થઈ ગયા છે. બનાસ નદી એ બનાસકાંઠાના લોકો માટે જીવાદોરી સમાન છે અને છેલ્લા બે વર્ષથી આ નદીમાં પાણી નહોતું. છેલ્લે 2015 અને 2017માં પૂર આવતા બનાસનદી બે કાંઠે વહી હતી.
ઉપરવાસમાં વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરનું આગમન, સ્થાનિકોમાં ખુશીનો માહોલ - બનાસનદી
બનાસકાંઠા: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીરની આવક થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પરંતુ ગત વર્ષે દુષ્કાળના કારણે ફરીથી આ બનાસનદીમાંથી પાણી સુકાઈ ગયું હતું અને આ વર્ષે પણ વરસાદ ખેંચાતા પાણીના તળ ઉંડા જતા રહ્યા હતા. તેવામાં બનાસનદીમાં ફરી નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને ખેડૂતોને પણ હવે નદીમાં પાણી આવતા પાણીના તળ ઊંચા આવશે અને ખેતીમાં પણ ફાયદો થશે તેમ ખેડૂતો માની રહ્યા છે.
બનાસ નદીમાં પાણીની આવક થતા ફરી સજીવન થયેલી નદીને જોવા માટે લોકોના ટોળે ટોળા નદીએ આવી પહોંચ્યા હતા. લોકો રમણીય વાતાવરણની મજા માણતા નજરે પડ્યા હતા. જ્યારે હજુ પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે અને બનાસ નદીમાં પાણીની આવક ચાલુ રહેશે તો દાંતીવાડા ડેમના પાણીમાં પણ વધારો થશે.