- થરા નગરપાલિકાની 20 બેઠકો માટે ચૂંટણી યોજાઈ
- 11,400 મતદારોએ સાંજ સુધી મતદાન કર્યું
- 20 ઉમેદવારોનું ભાવિ evm મશીનમાં સીલ
થરા: 3 ઑક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)માં થરા નગરપાલિકાની ચૂંટણી (Thara Municipal Election) પણ યોજાઈ હતી, જેમાં સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થતાં સાંજ સુધી મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 20 બેઠકો માટે કુલ 15 કેન્દ્ર પર મતદાન યોજાયું હતું.
કુલ 15 કેન્દ્રો પર મતદાન કરવામાં આવ્યું
થરા નગરપાલિકા માટે રવિવારના સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી, નગરપાલિકાની 24માંથી 4 બેઠકો પર અગાઉ જ ભાજપ બિનહરીફ વિજેતા થયું છે, જેથી 20 બેઠકો માટે 3 ઑક્ટોબરના સવારથી મતદાન શરૂ થયું હતું. થરા નગર પાલિકામાં કુલ 15 કેન્દ્રો પર મતદાન કરવામાં આવ્યું, જેમાંથી 2 કેન્દ્ર અતિસંવેદનશીલ હતા, જ્યારે કુલ 11,400 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સદસ્યો ચૂંટશે.
ચૂંટણીને લઈ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
થરા નગરપાલિકાની રવિવારના યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ 15 કેન્દ્ર પર મતદારો પોતાના ઉમેદવારને મતદાન આપવા માટે પહોંચી ગયા હતા. ખાસ કરીને સૌથી વધુમતદાન મથકો પર લાઈનો સવારથી સાંજ સુધી મહિલાઓની જોવા મળી હતી. થરા નગરપાલિકાની ચુંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના વિસ્તારમાં અને ખાસ કરીને થરાના તમામ વોર્ડમાં જે ઉમેદવાર વિકાસને વેગ આપશે તેવા ઉમેદવારોને જ મત આપવા ઉમેદવારો જણાવી રહ્યા હતા. ત્યારે સવારથી જ પુરુષો સાથે સાથે મહિલાઓની પણ લાંબી કતારો મતદાન માટે ઉમટી પડી હતી.
પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
થરા ખાતે 3 ઑક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ જવાનો સહિત કુલ 300 જેટલા કર્મચારીઓની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા ચાલી હતી.