બનાસકાંઠા : જિલ્લામાં પણ લોકડાઉન ચારના અમલની સાથે મોટાભાગના ધંધા રોજગારને છૂટ મળી ગઈ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લો હજુ પણ રેડ ઝોનમાં હોવાના કારણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ એટલું જ અનિવાર્ય છે અને જિલ્લા કલેકટર દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત રાખવાની તમામ ધંધા-રોજગાર કરતા લોકોને ખાસ સુચના આપવામાં આવી છે.
લોકડાઉન-4: વાવમાં બેન્ક આગળ લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટન્સન ધજાગરા ઉડ્યા - બેન્કમાં લાંબી લાઈનો લાગી
બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે બેન્ક આગળ ખેડૂતો દ્વારા પૈસા ઉપાડવા આવતા સોશિયલ ડિસ્ટન્સ ભંગ થયો હતો. હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે આવા સમયે લોકોને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરી જાતે જ કોરોના વાઇરસની લડાઈનો સામનો કરવો પડશે.
વાવમાં આવેલા બરોડા ગ્રામીણ ગુજરાત બેંકમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ બેન્ક ખુલતાની સાથે જ ખેડૂતોના ટોળેટોળા આ બેન્કમાં ઘસી આવ્યા હતા, વાવના મોટાભાગના ગામડાઓ કન્ટેનમેન્ટ જોનમાં આવતા હોવાથી કોઈજ ખેડૂતો અત્યાર સુધી બેન્કમાં ફરકયા ના હતા, પરંતુ છૂટછાટ મળતા એક સાથે તમામ ખેડૂતો પોતાના ધિરાણના હપ્તા સહિતના કામકાજ અર્થે બેન્કમાં ઘસી આવ્યા હતા.
એક સાથે આવેલા ખેડૂતોની લાંબી કતારો લાગતા ના તો કોઈ સોશિયલ ડિસ્ટન્સમાં હતા કે ના તો કોઈએ માસ્ક પહેર્યું હતું. બેન્કમાં સંચાલકો સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ કોઈ જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું ના હતું. બેન્ક સંચાલકોની બેદરકારીના કારણે આ વિસ્તાર હવે ખુલતા જ કોરોના હોટસ્પોટ બની શકે છે.