બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે થરાદ ખાતે જનસેવા કેન્દ્રમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આધારકાર્ડ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર લોકોની લાંબી કતારોને કારણે સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું છે.
થરાદ જનસેવા કેન્દ્રમાં કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરતા દ્રશ્યો સર્જાયા થરાદના લોકોનું બેજવાબદાર વર્તન
- થરાદ જનસેવા કેન્દ્રમાં કલેક્ટરના જાહેરનામાંનો ભંગ
- જનસેવા કેન્દ્રમાં તંત્રની ગંભીર બેદરકારી
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર લોકોની લાંબી કતારો
- ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે
એક તરફ સરકાર કોરોના વાઇરસનું સંક્રમણ વધે નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવા અવાર-નવાર સૂચનાઓ આપવામા આવી રહી છે. ત્યારે બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાઇરસથી જાણે કોઈ વ્યક્તિને લેવા દેવા ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન તો કોઈ ડિસ્ટન્સ છે ન તો કોઈ માસ્ક છે. આવા દ્રશ્યો સામે આવતા જ ચોક્કસ કહી શકાય કે, કોરોના વાઇરસના કેસ વધારો થવાની સંભાવના થઈ રહી છે.
જનસેવા કેન્દ્રમાં જ કલેક્ટરના જાહેરનામાનો ભંગ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસ બેકાબુ બન્યો છે અને અત્યાર સુધી કુલ 168 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. તેવા સમયમાં થરાદ જનસેવા કેન્દ્રમાં જ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. લોકડાઉન ખુલતાની સાથે જ આધારકાર્ડ બનાવવા માટે જનસેવા કેન્દ્રમાં અરજદારોનો ધસારો વધી ગયો છે.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર લોકોની લાંબી કતારો સોમવારે વહેલી સવારથી જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર અરજદારોની લાંબી કતારો લાગી ગઇ હતી. બનાસકાંઠામાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવા સમયમાં થરાદની જનસેવા કેન્દ્રમાં તંત્રની બેદરકારીને કારણે લાગતી અરજદારોની લાંબી કતારો પણ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કરી રહી છે. અરજદારોનું માનીએ તો એકની જગ્યાએ બે બરીઓ પર આધારકાર્ડની કામગીરી શરૂ આવે તો લોકોની ભીડને કાબુમાં લાવી શકાય તેમ છે અને કોરોના વાઇરસના સંક્રમણથી પણ બચી શકાય.