બનાસકાંઠા :વડગામ તાલુકાના કર્માવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગને લઈને કિસાન સંઘના નેજા (Vadgam Kisan Sangh) હેઠળ 25 હજાર જેટલા ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કરમાવદ તળાવમાં પાણી ભરવાની માંગ છે અને આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતો જળ આંદોલનના (Farmers water movement) માર્ગે પહોંચ્યા હતા. હજારો ખેડૂતોએ પાલનપુર શહેરમાં મહારેલી યોજીને કલેકટરને તળાવ ભરવા માટે રજૂઆત કરી હતી.
પાણી ભરવાની ખેડૂતોની માંગ - છેલ્લા 25 વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની ખેડૂતોની માંગ હતી. જોકે આ માંગ ના સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીની સમસ્યા વિકટ છે, ત્યારે પાલનપુર અને વડગામ તાલુકામાં સિંચાઈના પાણીનો લાભ મળી રહે એ હેતુથી છેલ્લા 25 વર્ષથી વડગામ તાલુકાનું કરમાવાદ તળાવ ભરવાની માંગ છે. એક માસ અગાઉ કરમાવાદ તળાવમાં કળશ પૂજન કરી અને ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા. જોકે છેલ્લા એક માસથી વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં રાત્રી સમર્થન સભાઓ યોજી અને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે આહવાન કરાયું હતું, ત્યારે આજે 125 ગામના 25 હજાર જેટલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઇસ્કુલથી કલેકટર કચેરી સુધી બે કિલો મીટરની પદયાત્રા કરી અને મહારેલી યોજી હતી. કલેકટરને આવેદનપત્ર પાઠવીને (Farmers Rally in Palanpur) રજૂઆત કરી હતી કે સરકાર કરમાવાદ તળાવમાં પાણી ભરી આપે.