ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી (Weather Department Forecast) હવે અસર બતાવવા માંડી છે. આજે વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. વાતાવરણ આવેલા આ પરિવર્તનને પગલે ધરતીપુત્રોને એકવાર ફરી રવી સીઝનમાં (Rabi Crop 2022 ) નુકશાની સહન કરવાની નોબત આવી છે.
કમોસમી વરસાદે મુશ્કેલીમાં વધારો કર્યો
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઈ રહી. અગાઉ પણ વારંવાર નુકશાનીની થપાટ ખાઈ ચૂકેલા ખેડૂતો માટે હવે હવામાન દુશ્મન બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રવી સિઝન મુખ્ય માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે રવી સિઝનમાં જ વારંવાર બદલાઈ રહેલા હવામાનને પગલે રવી પાક (Rabi Crop 2022 ) ચોપટ થઈ રહ્યો છે. એકવાર ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી (Weather Department Forecast) કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 5 જાન્યુઆરી અને 6 જાન્યુઆરી દરમ્યાન ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ આગાહીની અસર આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી હતી.
પાકમાં નુકશાનની ભીતિ
હવામાનમાં ભેજનું પ્રમાણ વધી જવાના લીધે રવી પાકોમાં (Rabi Crop 2022 ) ફૂગજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત પરવર્તી રહી છે. ત્યારે કૃષિ નિષ્ણાતો પણ આ અંગે ખેડૂતોને ફૂગ નાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈ ફરી એક વખત માવઠાની આગાહી હવામાન વિભાગ (Weather Department Forecast) દ્વારા આપવામાં આવી હતી.