- ડીસાના યુવા બિલ્ડરની ઓક્સિજનની બોટલની અનોખી સેવા
- બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત
- ડીસાના યુવા બિલ્ડર દ્વારા ઓક્સિજનની 52 બોટલની સેવા કરવામાં આવી
બનાસકાંઠા: જિલ્લામાં હાલ કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ઉભી થઇ છે.જેમાં ખાસ કરીને ડીસા,ધાનેરા અને થરાદના દર્દીઓને ઓક્સિજન માટે ખુબજ મુશ્કેલી પડી રહી છે, જોકે બનાસકાંઠામાં આવેલા ઓક્સિજન રીફલિગના બન્ને પ્લાન્ટ પર કાચો મટીરીયલ પૂરતા પ્રમાણમાં ન આવતા દર્દીઓ ઓક્સિજન વગર મૃત્યુ પામી રહ્યા છે. ડીસાના યુવા બિલ્ડર પી એન માળી દ્વારા દર્દીઓના જીવ બચાવવા ઓક્સિજનની ખાલી બોટલો એકત્રિત કરીને પોતાના ખર્ચ અમદાવાદથી 52 જેટલી ઓક્સિજનની બોટલ ભરાવીને ડીસા લાવી હતી. ગાડી ડીસા આવતા જ થરાદ અને ડીસાના કોરોના દર્દીના સગાઓ ઓક્સિજન લેવા માટે દોડી આવ્યા હતા અને વાહનોની કતારો લગાવી દીધી છે. જે બાદ પી.એન માળી દ્વારા અમદાવાદથી લાવેલી ઓક્સિજનની બોટલ વિના મૂલ્યે દર્દીના સગાઓને વિતરણ કરી હતી. ડીસાના આખોલ ગામના સરપંચ પણ ઓક્સિજન બોટલ લેવા આવ્યા હતા તેઓએ પણ આ કામગિરીને વખાણી હતી.
ડીસાના યુવા બિલ્ડરની કોરોના કાળમાં અનોખી સેવા
ડીસામાં માનવતાનું કામ કરતા પી એન માળીએ ગત વર્ષે પણ કોરોનાવાઇરસની મહામારી વચ્ચે જ્યાં સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યો હતો ત્યારે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ગરીબ લોકોની હતી તેવા સમયે તેમના દ્વારા આવા ગરીબ અને મધ્યમ વર્ગના તમામ લોકોને કરીયાણાની કીટ આપી અનોખી સેવા કરવામાં આવી હતી. હર હંમેશા ડીસા શહેરમાં જ્યારે પણ કોઈ મોટી મુસીબત આવે છે ત્યારે આ યુવા બિલ્ડર હંમેશા ડીસાના લોકોની સેવા કરવામાં અગ્રેસર રહે છે. આ વર્ષે પણ જે પ્રમાણે કોરોનાવાયરસ વધી રહ્યો છે અને લોકોને સૌથી વધુ ઓક્સીજનની જરૂર છે તેવા સમયે આ યુવા બિલ્ડર દ્વારા અમદાવાદથી ઓક્સિજનની 52 બોટલ ભરાવવા સહિત ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો અને દર્દીઓને આવા કપરા સમયે મદદરૂપ થઇ રહ્યા છે.આ અંગે યુવા બિલ્ડર પી એન માળીએ જણાવ્યું હતું કે હાલમાં જે પ્રમાણે ડીસા શહેરમાં કોરોનાવાયરસની મહામારી દિવસેને દિવસે વધી રહી છે તેવા સમયે હાલ સૌથી વધુ લોકોને ઓક્સિજનની જરૂર છે. આવા સમયે મેં અમદાવાદથી 52 ઓક્સિજનની બોટલ ભરાવીને વિના મૂલ્યે સેવા આપી છે અને હજુ પણ જરુર પડશે તો હું મદદ કરીશ. થરાદથી ઓક્સિજન બોટલ માટે પી એન માળી નો સંપર્ક કરીને આવેલા દર્દીના સગાઓને પણ બોટલ આપી હતી.